Site icon Revoi.in

દિલ્હીમાં ઈઝરાઈલ દુતાવાસ નજીક બ્લાસ્ટઃ પોલીસને સીસીટીવી કેમેરાના ફુટેજ મળ્યાં

Social Share

દિલ્હીઃ ઈઝરાઈલ દુતાવાસ પાસે બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. બિસ્ફોટની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, દેશના 63 એરપોર્ટ ઉપર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી મેટ્રોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બ્લાસ્ટ મુદ્દે ભારત અને ઈઝરાઈલના વિદેશ મંત્રીઓ ટેલિફોનિક વાતચીત કરી હતી. બીજી તરફ પોલીસે સમગ્ર બનાવની તપાસ આરંભી છે. બ્લાસ્ટની તપાસ કરતી પોલીસને સ્થળ પરથી એક પત્ર મળ્યો છે જેમાં ઈઝરાઈલના દુતાવાસના અધિકારી બાબતે લખાણ લખ્યું હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસને તપાસ દરમિયાન ઈઝરાઈલ દુતાવાસ નજીક લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુજેટ મળ્યાં છે. ઈઝરાઈલ દુતાવાસ નજીક એક કેબે બે વ્યક્તિઓને ઉતાર્યા હતા. જો કે, આ બંનેની આ કેસમાં સંડોવણી છે કે કેમ તે હજુ સામે આવ્યું નથી. પોલીસે કેબના ચાલકનો સંપર્ક કરીને બંને વ્યક્તિઓ વિશે પુછપરછ કરી છે. તેમજ કેબ ડ્રાઈવરની મદદથી બંનેના સ્ક્રેચ તૈયાર કરવામાં આવ્યાં છે. આ વિસ્ફોટમાં અમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે બનાવ સ્થળની નજીક એક ઝાડની પાછળ છુપાવેલો કેમેરો પણ મળી આવ્યો છે. જેની પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત બનાવ સ્થળ નજીકથી મળેલા પત્ર ઉપરની ફિંગરપ્રિન્ટ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે બનાવ સ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે.

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ અમદાવાદ, મુંબઈ સહિતના શહેરોમાં એલર્ટ જાહેરલ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પોલીસ દ્વારા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તેમજ વાહન ચેકીંગ સઘન બનાવી દેવામાં આવ્યો છે.