ખાનગી શાળાના મકાનોને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવાની અનુમતી આપવા સંચાલકોને મંડળની અપિલ
અમદાવાદઃ રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ સ્ફોટક બની છે, મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ બની ગઈ છે. ત્યારે રાજ્યની સ્કૂલોના બિલ્ડિંગો ખાલી પડ્યા હોવાથી સંચાલક મંડળ દ્વારા શાળાના બિલ્ડિંગ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ફાળવવા સૂચન કર્યું છે. સ્કૂલોના વિશાળ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી બિલ્ડિંગોને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવા સંચાલકો સંમતિ આપે તેવું સુચન કર્યું હતું. જેના પગલે ઘણા જિલ્લામાં સંચાલકો આગળ આવ્યા છે અને વહીવટી તંત્ર સમક્ષ બિલ્ડિંગ આપવા સંમતિ આપી હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં માર્ચ-2020થી કોરોનાના કેસો આવવાના શરૂ થયા હતા અને એક વર્ષ બાદ હજુ પણ રાજ્ય કોરોનાના રોગચાળામાંથી બહાર આવી શક્યું નથી. હાલની સ્થિતિ ખુબ જ વિકટ છે અને હોસ્પિટલોમાં બેડ ખુટી પડ્યા હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિ કોઈ એક શહેર પુરતી નહીં પરંતુ સમગ્ર રાજ્યની છે. આ કપરી સ્થિતિમાં સરકારને મદદરૂપ થવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા તમામ સંચાલકોને પત્ર લખી કોવિડ-19 સામેની લડતમાં શાળાઓ પણ પોતાનું યોગદાન આપે તે માટે અપીલ કરી છે. જેમાં હોસ્પિટલો ઉભરાઈ રહી હોવાથી સ્કૂલો જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીને મળી શાળાનું બિલ્ડિંગ કોરોનાની સારવાર માટે ફાળવે તેમ જણાવ્યું છે.
રાજ્યમાં માર્ચથી શાળાઓ બંધ છે. વિદ્યાર્થીઓ શાળામાં આવતા નથી. સ્ટાફ પણ 50 ટકા જ બોલાવવામાં આવે છે. રાજ્યની ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના વિશાળ મકાનો અને સંલગ્ન રમત-ગમતના મેદાનો છે. સ્કૂલના મકાનોમાં ટોયલેટ બોક્સ, 24 કલાક વીજળી, વિશાળ ક્લાસરૂમ, હવા ઉજાસ વાળા ઓરડા, પાર્કિંગ સુવિધા તેમજ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત કેટલીક સ્કૂલો પાસેથી હોસ્ટેલની પણ સુવિધા છે. આમ, હાલમાં આ તમામ ખાલી પડ્યા હોઈ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ થઈ શકે તે માટે સ્કૂલના સંચાલકો પોતાની શાળાનું બિલ્ડિંગ સારવાર માટે આપવા આગળ આવે તે માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આહવાન કર્યું હતું.
શાળા સંચાલક મંડળના આ આહવાન બાદ કેટલાલ શાળા સંચાલકો બિલ્ડિંગો આપવા માટે આગળ પણ આવ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં વલસાડ જિલ્લામાં આવેલા કાલઈ અને કરમબેલા બન્ને સ્કૂલ અને છાત્રાલયને કોવિડ કેર સેન્ટર બનાવવા માટે સંમતિ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.