અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે સ્કૂલોમાં ધો-9, 10, 11 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. ત્યારે બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થશે અને આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મેથી શરૂ થશે. ધોરણ 12 સંસ્કૃત માધ્યમ અને ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા 17 મેથી શરૂ થશે. પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકાતા વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે. ધોરણ-9થી 10ની સાથે ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાની જગ્યાએ 30 ટકા કરાયા છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં 50 ટકા બહુવિકલ્પ પ્રશ્નો અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. ધોરણ 9થી 12ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે.
ગુજરાતમાં કોરના મહામારીને કારણે છેલ્લા એક વર્ષથી શાળા-કોલેજમાં અભ્યાસ બંધ હતો. જો કે, સંક્રમણ ઘટતા પ્રથમ ધો-10 અને 12ના વર્ગો સ્કૂલમાં શરૂ કરાયાં બાદ તાજેતરમાં જ ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં અન્ય વર્ગો પણ શરૂ કરવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું.