અમદાવાદઃ તાજેતરમાં જ હેરિટેઝ સિટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો 160થી વધારે બેઠક ઉપર ભવ્ય વિજય થયો હતો. ભાજપ દ્વારા અમદાવાદ શહેરમાં નવા કોર્પોરેશનની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન આગામી તા. 10મી માર્ચના રોજ મ્યુનિસિપલ કમિશનરે તા. 10મી માર્ચના રોજ બોર્ડની બેઠક બોલાવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી તા. 10મી માર્ચના રોજ પાલડી વિસ્તારમાં આવેલા ટાગોર હોલમાં બોર્ડની બેઠક બોલાવી છે. જેમાં નવા ચૂંટાયેલા તમામ 192 કોર્પોરેટર ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં શહેરના નવા મેયર, ડે.મેયર અને કારોબારી સમિતિની પસંદગી કરવામાં આવે તેવી શકયતા છે. આ ઉપરાંત એએમટીએસ કમિટીના સભ્યોની પણ પસંદગી કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. આ તમામ કોર્પોરેશનમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં છ શહેરોના મેયરની પસંદગી કરવામાં આવશે.