ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારના અધ્યાપક સહાયકોના પગારમાં વધારો ન કરાતા અસંતોષ
અમદાવાદઃ ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીને પગારમાં 30 ટકા વધારો કરીને દિવાળીની ભેટ આપી છે. પણ રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બનાવતા સહાયક અધ્યાપકોને પગાર વધારાનો લાભ અપાયો નથી. તેથી અધ્યાપક મંડળે સરકાર સામે સહાયક અધ્યાપકોના પગારમાં પણ વધારો કરવાની માગણી કરી છે. જો સરકાર દ્વારા માગણી સ્વીકારવામાં નહીં આવે તો લડતના કાર્યક્રમો અપાશે. એવું મંડળના સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાના રાજ્ય સરકારના નિર્ણયને કર્મચારીઓએ આવકાર્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ ફિક્સ પગારના કર્મચારીઓ માટે જ્યારે પગાર વધારો કરવામાં આવતો હોય તો રાજ્યની જુદી જુદી ગ્રાન્ટ ઈન એડ કોલેજોમાં ફિક્સ પગારના કાર્યરત અધ્યાપક સહાયકનો પણ પગાર વધારો કરવો જોઈએ તેવી અધ્યાપક મંડળે માગ કરી છે. રાજ્ય સરકારના તાજેતરના આ નિર્ણયમાં અધ્યાપક સહાયકોને પગાર વધારાથી બાકાત રાખવામાં આવ્યા છે. આ અંગે અધ્યાપક મંડળ દ્વારા સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અધ્યાપક મંડળના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને સમયાંતરે જે લાભ આપવામાં આવે છે. પરંતુ એવો લાભ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને આપવામાં આવતો નથી. અગાઉ પણ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓ માટે મેડિકલ ભથ્થુ વધારેલું છે. પરંતુ રાજ્યની ગ્રાન્ટ ઇન એડ કોલેજોના અધ્યાપકોને આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. રાજ્યમાં જ્યારે સરકારી યુનિવર્સિટીઓ માટે પબ્લિક યુનિવર્સિટી એકટ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના અન્ય કર્મચારીઓ માટે રાજ્ય સરકાર જે જાહેરાત કરી છે તેનો લાભ કોલેજોમાં કાર્યરત અધ્યાપકોને પણ થવો જોઈએ.
અધ્યાપક મંડળના સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં કાર્યરત અધ્યાપક સહાયકો પીએચડી, નેટ, સ્લેટ જેવી ઊંચી લાયકાત મેળવીને અન્ય કર્મચારીઓ કરતા મોટી ઉંમરે નોકરી લાગતા હોય છે. ત્યારે તેમને રાજ્ય સરકાર દ્વારા જ્યારે આર્થિક રાહત પેટે પગાર વધારો કરવામાં આવતો હોય છે. ત્યારે તેમને વંચિત રાખવા ન જોઈએ. અને આ અધ્યાપક સહાયકોનો પણ પગાર વધારો કરવો જોઈએ. (FILE PHOTO)