અમદાવાદઃ વડોદરામાં હરણી લેક બોટ દૂર્ઘટનાકાંડમાં ગુજરાત હાઈકોર્ટેમાં સુઓમોટો રિટની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરીને સ્વીકાર્યું હતું કે, ગુજરાતમાં 40 જેટલા લેકમાંથી 21 લેકમાં સલામતીના કોઈ સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે. જ્યાં લાઈફ જેકેટ સહિતના સાધનો ઉપલભ્ધ છે. એવા 19 તળાવોમાં જ બોટિંગની મંજુરી આપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં વડાદરા લેક બોટ દુર્ઘટનાકાંડમાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો રિટ દાખલ કર્યા બાદ તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકાર દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે,આ ઘટના બાદ જવાબદાર તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. એફિડેવિટમાં સરકારે સ્વીકાર્યું કે, 40માંથી 21 લેકમાં સલામતીનાં કોઈ સાધનો જ નહોતાં. સલામતી સાઘનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે. જ્યારે 19માં બોટિંગ ચાલી રહ્યું છે. નળ સરોવરમાં લાઈફ જેકેટ પહેરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. હવે પછી આવી દુર્ઘટના ફરી ના બને તે માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને સમગ્ર ગુજરાતની ઈન લેન્ડ વોટર બોડીઝ જ્યાં બોટીંગ કે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી થતી હોય તેવા સ્થળોની માહિતી, ત્યાં ઉપલબ્ધ લાઇફ સેવિંગ સાધનોની પણ વિગતો માંગી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, વડાદરાની બોટ દુર્ઘટનામાં જવાબદાર બધા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતકોના ફેમિલી મેમ્બરની જરૂરી વિગતો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકાયો છે. રાજ્યમાં આવેલી વોટર બોડીઝ જ્યાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ હોય તેની માહિતી આપવામાં આવી છે. વડોદરા દુર્ઘટના બાદ રાજ્યમાં તમામ ઈન લેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. જે જગ્યાએ નિયમો સેફ્ટીના સાધનો હતા ત્યાં જ મંજૂરી અપાઈ છે. જ્યાં નિયમો પળાતા નહોતા ત્યાં રાજ્યમાં 21 જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરાયા છે. અર્બન વિભાગ દ્વારા 13 મેમ્બરની કમિટી બનાવાઈ છે. જે વોટર બોડીઝમાં પ્રવૃત્તિ માટે લીગલ ફ્રેમવર્ક, બાંહેધરી, નિયમો વગેરે બનાવવા ઉપર કાર્ય કરશે. અમદાવાદમાં પણ નળ સરોવર અને અક્ષર રિવર ક્રુઝ ખાતે લાઇફ જેકેટની વ્યવસ્થા કરાઇ છે. બોટમેનને પણ લાયસન્સ આપવામાં આવશે.
વડોદરા હરણી તળાવમાં કયાં નીતિ નિયમો મુજબ કોન્ટ્રાક્ટરની બોટ ચલાવવા આપવામાં આવી હતી અને તેના ઉપર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોઈ સુપરવિઝન રાખવામાં આવતું હતું કે કેમ? એવો પ્રશ્ન કોર્ટ દ્વારા પૂછાતા વડાદરા મ્યુનિ.કોર્પોરેશનનો જવાબ નકારમાં હતો. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ચર્ચા થઈ હતી કે કેમ? જેનો જવાબ પણ VMC તરફથી નકારાત્મક હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સીધેસીધું સુપરવિઝન ઉપર ચર્ચા કર્યા વગર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને આપી દીધો હતો. વળી, સેફ્ટીની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરને આપી દીધી હતી. જેમાં સેફ્ટીને કોઈ મહત્વ અપાયું નહોતું. વોટર બોડીઝમાં બોટ ચલાવવા માટે સરકાર તરફથી કોઈ સૂચનો આપવામાં આવે છે કે કેમ? તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તેની માહિતી મેળવીને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. કોર્ટે સરકાર પાસેથી વોટર બોડીઝમાં બોટને લઈને રેગ્યુલેટરી નિયમો માગ્યા હતા. કોર્ટ મિત્રએ બોટિંગ એક્ટિવિટીને લઈને લાયસન્સ સેફ્ટીના નિયમો, રજિસ્ટ્રેશન વગેરે કાયદા અંગે પ્રકાશ નાખ્યો હતો. જોકે ઈન લેન્ડ વોટર બોડીઝ માટે કોઈ નિયમો ન હોવાનું ધ્યાને આવ્યું હતું. સ્વતંત્ર બોટ ચાલકો માટે પણ નિયમો ન હોવાનું ધ્યાને આવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, વાહનની જેમ બોટનું લાયસન્સ જરૂરી છે.