દાહોદમાં 3 યુવાનોની ભેદી સંજોગોમાં મળી લાશ, હત્યાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ
- પોલીસે તપાસનો ધમધમાટ
- પીએમ રિપોર્ટમાં મોતનું કારણ આવશે સામે
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગુંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન દાહોદના ડાંગરિયા ગામની નજીકથી એક-બે નહીં પરંતુ 3 યુવાનોની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ત્રણેય યુવાનોની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જો કે, પીએમ બાદ જ તેમના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. જો કે, એક સાથે 3 યુવાનોની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી.
પ્રાપત માહિતી અનસાર દેવગઢ બારિયાના ડાંગરિયા ગામમાં રહેતા યુસૂફ અયુબ કમાલ (ઉ.વ.21), અકબર સતાર પટેલ (ઉ.વ.25) અને સમીર યાકુબ જેથરા (ઉ.વ. 21)ની લાશ ઘરની નજીક તળાવના કિનારેથી મળી આવી હતી. જેથી મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ત્રણેય મૃતકના પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા અને રોકકડ મચાવી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.
આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આરંભી હતી. બીજી તરફ મૃતક યુવાનોના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો હતો. જેથી પરિવારજનોએ કરેલા આક્ષેપ અંગે તપાસ શરૂ કરી હતી. બનાવ સ્થળ પાસેથી પોલીસને એક મોટરસાઈકલ પણ મળી આવી હતી.