રાજ્યની પોલીસને ફાળવાયા બોડીવોર્ન કેમેરા, રાજકોટમાં હવે ટ્રાફિક પોલીસ હાઈટેકથી સજ્જ બની
રાજકોટઃ શહેરમાં ટ્રાફિક પોલીસને પણ હાઈટેક બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરાશે. ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ વખતે વાહનચાલકોને અવારનવાર થતા ઘર્ષણને નિવારવા માટે હવે રાજ્યનું પોલીસ તંત્ર ટેક્નોલોજીથી સજ્જ થવા જઈ રહ્યું છે. દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકારે એક સાથે 10 હજાર બોડી વોર્ન કેમેરા પોલીસ તંત્રને ફાળવાયા છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ 300 જેટલા કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેને પગલે પોલીસ અને ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ટ્રાફિક નિયમનું પાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને વી.વી.આઈ. પી. બંદોબસ્ત વખતે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા દરેક હેડ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ. પી.એસ.આઈ. સહિતના ફિલ્ડમાં રહેતા પોલીસ અધિકારીઓ ફરજ દરમિયાન પોતાના સોલ્ડર પર બોડીવોર્ન કેમેરા લગાવીને જ ફરજ બજાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાની પોલીસને બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેમાં બે પ્રકારના કેમેરા છે. જેમાં અમુક કેમેરા લાઈવ રેકોર્ડીંગવાળા છે. ગાંધીનગર ખાતે બોડીવોર્ન કેમેરાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં કોમી રમખાણો, વીવીઆઈપી સુરક્ષા, રેલી, જૂથ અથડામણ જેવી ઘટનાઓનું ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમમાંથી લાઈવ જોઈ શકાશે અને ત્વરીત એક્શન લેવામાં ઉપયોગી થઈ શકશે.
સૂત્રોએ દુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને લોકો વચ્ચે થતા ઘર્ષણ અટકાવવા માટે બોડી વોર્ન કેમેરાનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. અને પોલીસ અધિકારી અને કર્મચારીઓ પોતાની વર્દી ઉપર કેમેરા લગાડવામાં આવશે. આ કેમેરામાં 50થી 60 મીટરના અંતરમાં થયેલી તમામ ગતિવિઘી વીડિયો અને ઓડિયો સાથે રેકોર્ડ થશે. જેથી પોલીસ અને લોકો વચ્ચે બનેલા બનાવના યોગ્ય પુરાવા મળી રહેશે.