અમદાવાદઃ ભારતીય અર્થતંત્રને તોડી પાડવાના ઈરાદે કેટલાક શખ્સો બોગસ ચલણી નોટો બજારમાં ફરતી કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન ગુજરાતની મેગાસિટી અમદાવાદમાંથી પોલીસે બનાવટી નોટો છાપવાનું આખુ કારખાનું ઝડપી લીધું હતું. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી 2.32 લાખની બોગસ નોટો અને નોટો છાપવાની સમગ્રી જપ્ત કરી હતી. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં અગાઉ પણ નકલી ચલણી નોટો છાપી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરના ઈસનપુરમાં એક મકાનમાં બનાવટી નોટો છાપવામાં આવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ છાપો માર્યો હતો. પોલીસે છાપો મારીને તપાસ કરતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંક્યાં હતા. પોલીસે નોટો છાપવાનું મશીન સહિતની સામગ્રી જપ્ત કરી હતી. અહીં છેલ્લા કેટલાક સમયથી બનાવટી નોટો છાપવામાં આવતી હતી અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં અહીં છાપેલી કેટલી બોગસ નોટો બજારમાં ફરતી કરવામાં આવી છે તેની પણ તપાસ શરૂ કરાઈ છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે.
(Photo-File)