બોલીવુડના અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલી વધી, ડ્રગ્સ કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી
મુંબઈઃ બોલીવુડના અભિનેતા એજાઝ ખાનની જામીન અરજી ના મંજૂર થઈ છે. અભિનેતાની એનસીબીએ ડ્રગ્સના કેસમાં માર્ચ મહિનામાં ધરપકડ કરી હતી. અભિનેતાએ જામીન ઉપર મુક્ત થવા માટે મુંબઈની કોર્ટમાં અરજી કરી હતી. જો કે, અદાલતે જામીન આપવાનો ઈન્કાર કરીને અરજી ફગાવી દીધી હતી.
કેસની હકીકત અનુસાર ડ્રગ્સ કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ અભિનેતા એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહીં અભિનેતા બટાટા ગેંગનો જ સાગરિત હોવાનો આરોપ લાગ્યો હતો. પોલીસે અભિનેતાના ઘરે તપાસ કરીને 4.5 ગ્રામ એલ્પ્રોજોલ ટેબલેટ્સ જપ્ત કરી હતી. એનસીબીએ અભિનેતાની ધરપકડ બટાટા ગેંગ સાથે સંપર્કને લઈને કરી હોવાનું જણાવ્યું હતું. એનસીબીએ અદાલતમાં કહ્યું હતું કે, ડ્રગ્સ કેસમાં શાદાબ બટાટા અને એજાઝ ખાન વચ્ચે સંબંધ સામે આવ્યાં છે. અમને સોશિયલ મીડિયા ઉપર કરેલા ચેટ્સ મળ્યાં છે તેમજ વોઈસ મેસેજ પણ મળી આવ્યાં છે. જેમાં એજાઝ ખાનની ડ્રગ્સ કેસમાં સંડોવણી હોવાનું ફલિત થાય છે.
શાદાબ બટાટા પર મુંબઈમાં બોલીવુડ સેલેબ્રિટીઝને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. ફારૂખ શરૂઆતી જીંદગીમાં બટાટા વેચતો હતો. આ સમયગાળામાં તે અંડરવર્લ્ડના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો. એટલું જ નહીં આજના સમયમાં મુંબઈમાં સૌથી મોટો ડ્રગ્સ સપ્લાયર છે. ડ્રગ્સના કામકાજ ઉપર હવે તેના બે દીકરા ધ્યાન રાખી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહના મૃત્યુના કેસમાં ડ્રગ્સ મામલો સામે આવતા એનસીબીએ પણ તપાસ શરૂ કરી હતી. તેમજ આ મુદ્દે અનેક ફિલ્મ કલાકારોની પૂછપરછ કરવામાં આવી છે.