Site icon Revoi.in

બોલીવુડઃ 1949ની મહલથી લઈને અત્યાર સુધીમાં અનેક હોરર ફિલ્મોને દર્શકોને ડરાવ્યાં

Social Share

મુંબઈઃ તાજેતરમાં કિયારા અડવાણી અને કાર્તિક આર્યન સ્ટારર હોરર ડ્રામા ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. અનીસ બઝમીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ તા. 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, આ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે. બોલિવૂડમાં અત્યાર સુધી કોમેડી, રોમેન્ટિક, એક્શન, બાયોપિક અને થ્રિલર જેવી અનેક જોનર્સમાં ફિલ્મો બની છે, પરંતુ હોરર ફિલ્મોનો ક્રેઝ હંમેશા જોવા મળ્યો છે. ભારતની પહેલી હોરર ફિલ્મ ‘મહલ’ હતી, જે વર્ષ 1949માં રિલીઝ થઈ હતી. આમ 1949થી લઈને અનેક હિન્દી હોરર ફિલ્મો રીલિઝ થઈ છે જેમાંથી અનેક ફિલ્મો દર્શકોને પસંદ આવી છે.

વર્ષ 1949માં આવેલી હોરર ફિલ્મ મહલમાં અશોક કુમાર અને મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતા. ડિરેક્ટર તરીકે કમાલ અમરોહીની આ ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં ખેમચંદ પ્રકાશે સંગીત આપ્યું હતું. બોલિવૂડની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરને તેમની અસલી ઓળખ ફિલ્મ મહલથી મળી હતી. આ ફિલ્મમાં લતા મંગેશકરે ‘આયેગા આનેવાલા’ ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. બોલીવુડમાં છેલ્લા બે દાયકાથી ફિલ્મ ઉદ્યોગમાં હોરર ફિલ્મોનો ટ્રેન્ડ વધ્યો છે અને બોક્સ ઓફિસ પર પણ હોરર ફિલ્મો સારી કમાણી કરી રહી છે.

હોરર ફિલ્મોના સમ્રાટ તરીકે જાણીતા રામસે બ્રધર્સે 1972માં હોરર ડ્રામા ફિલ્મ દો ગજ જમીન કે નીચે બનાવી હતી. આ ફિલ્મ જોયા પછી ડરનો કોઈ પાર ન રહ્યો. આ ફિલ્મમાં સત્યન કપ્પુ, ધૂમલ અને હેલન મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી રામસે બ્રધર્સ દ્વારા નિર્મિત 1984ની ફિલ્મ પુરાના મંદિર આવી હતી. આ ફિલ્મમાં મોહનીશ બહેલ, પુનીત ઈસાર, સદાશિવ અમરાપુકર અને આરતી ગુપ્તા મુખ્ય ભૂમિકામાં હતા. તે રામસે બ્રધર્સની હિટ ફિલ્મ હતી. આ જોનર્સમાં રામસે બ્રધર્સના યોગદાનને નકારી શકાય તેમ નથી. 1988માં આવેલી રામસે બ્રધર્સની હોરર થ્રિલર ફિલ્મ ‘વીરાના’ને ભાગ્યે જ કોઈ ભૂલી શક્યું હશે. એક સુંદર છોકરી જાસ્મિનના રૂપમાં વિલક્ષણ ભૂતને દર્શાવતી આ ફિલ્મે લોકોને ખૂબ જ ડરનો અનુભવ કરાવ્યો હતો.

90ના દાયકામાં પણ રામસે બ્રધર્સની હોરર થ્રિલર ફિલ્મોનો સિલસિલો ચાલુ રહ્યો હતો. વલણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો ન હતો. 1990ની ફિલ્મ બંધ દરવાજા પણ એક હોરર થ્રિલર શૈલીની ફિલ્મ હતી. પરંતુ આ ફિલ્મ એટલી ડરામણી હતી કે એકલા આ ફિલ્મને જોવી ઘણી મુશ્કેલ હતી.

ત્યારબાદ વર્ષ 1992માં આવેલી ફિલ્મ રાત ખૂબ જ ડરામણી ફિલ્મ હતી. રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ રાત હોરર શૈલીને નવો અર્થ આપ્યો હતો. રામ ગોપાલ વર્માની આ શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. 2002 ની આસપાસ, દિગ્દર્શક વિક્રમ ભટ્ટે રોમેન્ટિક હોરર ફિલ્મો બનાવવાની શરૂ કરી હતી. પ્રેમ, રોમાંસ, રોમાંચથી ભરપૂર રાજ તેનું ઉત્તમ ઉદાહરણ છે.  જેમાં બિપાશા બાસુ અને ડીનો મોરિયાએ અભિનય કર્યો હતો અને ફિલ્મ હિટ રહી હતી પરંતુ પાછળથી આવેલા બે ભાગ ચાલી શક્યા ન હતા.

2008માં આવેલી વિક્રમની ફિલ્મ 1920એ પણ દર્શકોને ડરાવવામાં કોઈ કસર છોડી ન હતી પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી. 2010માં આવેલી ફિલ્મ શાપિત સાથે પણ આવું જ થયું હતું. આ પછી, ફિલ્મ હોન્ટેડ 3D પહેલી હોરર ફિલ્મ હતી જેમાં 3D ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ ફિલ્મ ચાલી ન હતી. 2003માં રામ ગોપાલ વર્માએ પણ હોરર જોનરમાં હાથ અજમાવ્યો હતો.. ડરના જરૂરી હૈ જેવી ફિલ્મનું નિર્માણ કર્યું હતું. હોરર કોમેડી ફિલ્મોમાં ‘ભૂલ ભુલૈયા’, ‘ગોલમાલ અગેન’, ‘સ્ત્રી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.  આમ દર્શકો રોમેન્ટીક, કોમેડી, એક્શન સાથે હવે હોરર ફિલ્મને પણ જોવાનું પસંદ કરે છે.