બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી બાયોપિક રિલીઝ કરવાની હોડ જામી છે. ત્યારે આજે વિદ્યા બાલનની શકુંતલા દેવી રીલીઝ થઇ છે. જે ભારતની મહાન ગણિતશાસ્ત્રી શકુંતલા દેવી પર બાયોપિક બની છે. તેઓ પોતાની ગણતરીની ઝડપને કારણે દુનિયાભરમાં માનવ કમ્પ્યુટર તરીકે ખ્યાતિ હાંસલ કરી હતી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ગણિતશાસ્ત્રી શકુંતલા દેવીને સૌથી ઝડપી માનવ ગણતરીનું બિરુદ આપવામાં આવ્યું છે .. આ ફિલ્મમાં અભિનેત્રી વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં છે અને તેની સાથે સાન્યા મલ્હોત્રા, યીશુ સેનગુપ્તા અને અમિત સાધ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આજે એમેઝોન પ્રાઇમ વિડિયો પર તેમના નામથી બનેલી બાયોપિક વૈશ્વિક સ્તરે રિલીઝ થઇ છે, જેમાં પ્રેક્ષકોને તેમના જીવનની બધી સિદ્ધિઓની જાણકારી આપવામાં આવી છે..
શકુતલા દેવીનો જન્મ 1934ની ચોથી નવેમ્બરે થયો હતો કોઈ પણ શિક્ષણ વિના પણ તેમનું ગણિત અદભૂત હતું. તેમના પિતાએ તેમની આ ક્ષમતા પારખી લીધી હતી. માત્ર છ વર્ષની વયે તેમની પ્રતિભા પારખીને તેમના પિતા તેમને લંડન લઈ ગયા હતા. અહીંથી તેમની સફર શરૂ થઈ જે ક્યારેય અટકી નહીં. તેઓ કમ્પ્યુટરની માફક જ સેકન્ડોમાં ગણતરી કરી શકતા હતા.
આ ફિલ્મમાં તેમની પ્રતિભા અને અંગત જીવન વિશે વાત કરાઈ છે.ફિલ્મમાં શકુંતલા દેવીને માત્ર ગણિતશાસ્ત્રી જ નહી પરંતુ એક મહિલા અને માતા તરીકે પણ ન્યાય આપવામાં આવ્યો છે. તેઓ એક નીડર અને સ્વતંત્ર વિચારધારા ધરાવતી મહિલા હતી. તેમના વધુ પડતા આત્મ વિશ્વાસને પણ દેખાડવામાં આવ્યો છે જેને કારણે તેઓ લોકસભામાં ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી લડે છે. તેઓ ગણિતના સવાલના આસાનીથી જવાબ આપી દે છે પરંતુ અંગત જીવનમાં ગૂંચવાયેલા રહે છે.
(દેવાંશી)