દિલ્હીઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાન, તેની બહેન અલવીરા ખાન અને તેમની કંપની બીઈંગ હ્યુમનની મુશ્કેલી વધી છે. ચંડીગઢના એક વેપારીએ તેમની સામે છેતરપીંડીનો આરોપ લગાવ્યો છે. વેપારીએ આક્ષેપ કર્યો હતો કે, શો-રૂમ ખોલ્યાં બાદ સલમાન ખાનની કંપની દિલ્હીમાં સામાન નથી મોકલતી અને કંપનીની વેબસાઈટ પણ બંધ છે. પોલીસે સલમાન, અલવીરા, તેમની કંપનીના સીઈઓ પ્રસાદ કપારે અને અન્ય અધિકારી સંતોષ શ્રીવાસ્તવ, સંધ્યા, અનૂપ રંગા, માનવ અને આલોકને સમન્સ મોકલ્યું છે. તેમજ દસ દિવસમાં જબાદ આપવા તાકીદ કરી છે.
એક રિપોર્ટ અનુસાર ફરિયાદમાં વેપારી અરૂણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સલમાન ખાનના કહેવા પ્રમાણે મનીમાજરાના એનએસી વિસ્તારમાં રૂ. 3.50 કરોડનો ખર્ચ કરીને બીઈંગ હ્યુમન જ્વેલરીનો શો-રૂમ શરૂ કર્યો હતો. શો-રૂમ ખુલ્યા બાદ એક કંપની સાથે કરાર થયાં હતા. જો કે, આ લોકોએ શો-રૂમ ખોલાવ્યો પરંતુ કોઈ મદદ કરી નથી. બીઈંગ હ્યુમનની જ્વેલરી જે સ્ટોરમાંથી આપવાનું કહેવામાં આવ્યું હતું તે પણ બંધ છે. જેથી કોઈ માલ મળતો નથી.
વેપારીએ આક્ષેપ કર્યો હતો કે, સલમાનખાને જાણીતા ટીવી-શોના સેટ ઉપર બોલાવ્યો હતો અને કંપની ખોલવા માટે વિવિધ રીતે મદદ કરવાનો ભરોસો આપ્યો હતો. તેમજ ચંડીગઢમાં પણ શો-રૂમ ખોલવાની વાત કરી હતી. ફરિયાદીએ એક વીડિયો પણ પોલીસને આપ્યો છે. વેપારીએ આક્ષેપ કર્યો હતો કે, સુપરસ્ટારે શો-રૂમના ઉદ્ઘાટનમાં આવવાનો પણ વાયદો કર્યો હતો. જો કે, વ્યસ્તતાને કારણે આવી શક્યાં ન હતા.
(Photo - Social Media)