નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 10 સ્થળોએ, બોમ્બ અને ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રાંતીય સરકારના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.
એક અહેવાલ મુજબ, હુમલાખોરોએ અનેક પોલીસ સ્ટેશનો અને ડેપ્યુટી કમિશનરની ઓફિસને, નિશાન બનાવી હતી. હુમલામાં એક પોલીસ અધિકારી અને જેલ વોર્ડન સહિત, છ લોકો ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,’ પ્રાંતીય રાજધાની ક્વેટા સહિત સમગ્ર બલૂચિસ્તાનમાં ઓછામાં ઓછા 10 સ્થળોએ, બોમ્બ અને ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો.’
ક્વેટાના એસએસપી (ઓપરેશન્સ) જવાદ તારિકના જણાવ્યા અનુસાર, ‘ક્વેટાના સ્પિની વિસ્તારમાં સીપીઇસી રોડ પર, ફૂટપાથ પર મુકવામાં આવેલ બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેના કારણે એક રાહદારીનું મોત થયું હતું.’
અધિકારીઓના જણાવ્યા અનુસાર,’ શક્તિશાળી વિસ્ફોટથી પ્રાંતીય રાજધાનીના ઘણા વિસ્તારો હચમચી ઉઠ્યા હતા. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.’ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે,’ વિસ્ફોટ સમયે, બોમ્બની નજીક હોવાને કારણે પીડિતનું શરીર વિકૃત થઈ ગયું હતું. મૃતકની ઓળખ 84 વર્ષીય અબ્દુલ ખાલીક શાહ તરીકે થઈ છે.’
એસએસપી તારિકે જણાવ્યું હતું કે,’ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસમાં લગભગ આઠ કિલોગ્રામ વિસ્ફોટકોનો, ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્વેટાના બહારના વિસ્તાર નજીક અન્ય હુમલામાં, એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર ગુલામ રઝા ઘાયલ થયા હતા. શાલકોટ પોલીસ સ્ટેશન પર અજાણ્યા હુમલાખોરોએ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. જેના કારણે, પોલીસ સ્ટેશનની ઇમારત અને કેટલાક વાહનોને નુકસાન થયું હતું.’ ઘાયલ પોલીસ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું હતું કે,’ હુમલાની નોંધ લેતા તેણે બલૂચિસ્તાનના પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય સચિવ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. સેનેટર સમીના મુમતાઝ ઝેહરીએ, આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે અને જાન-માલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.’