Site icon Revoi.in

ઈઝરાઈલ-પેલેસ્ટાઈન યુદ્ધઃ પાકિસ્તાનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાયેલી રેલીમાં બોમ્બ બ્લાસ્ટ, 7ના મોત

Social Share

દિલ્હીઃ ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના દક્ષિણી પશ્ચિમી બલૂચિસ્તાનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજાઈ હતી. જેમાં અચાનક બોમ્બ વિસ્ફોટ થતા સાત વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 14 લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. રેલી ચમન શહેરના એક બજારમાંથી પસાર થઈ રહી હતી તે સમયે આ વિસ્ફોટ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસ4ર બલુચિસ્તાનમાં ઈસ્લામિક રાજકીય સંગઠન જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-નજરયાતી દ્વારા પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે એકજૂથતા પ્રદર્શિત કરવા યોજવામાં આવી હતી. જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અબ્દુલ કાદિર લુની અને કારી મહરૂલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.રેલીમાં એક ધાર્મિક નેતાના વાહનને નિશાન બનાવીને આઈઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી નથી સ્વીકારવામાં આવી. પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલો કરનારા પેલેસ્ટાઈન પ્રત્યે એકજૂથતાના વિરોધમાં છે અને તેઓ ઈઝરાયલનું સમર્થન કરે છે.

રેલી દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. તેમજ રાહત કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યારે મૃતદેહોને પીએમ અર્થે મોકલવાની કવાયત શરૂ કરી હતી. પોલીસે બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોની ઓળક મેળવવા માટે પણ કવાયત શરૂ કરી હતી.