Site icon Revoi.in

ચેન્નાઈ-મુંબઈ ફ્લાઈટમાં બોમ્બની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

Social Share

મુંબઈઃ ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ફ્લાઇટએ 6E 5314 એ સવારે લગભગ 7 વાગ્યે ચેન્નાઈથી ઉડાન ભરી હતી. તે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર ઉતર્યું હતું. એરપોર્ટ અધિકારીઓ તરત જ એક્શનમાં આવી ગયા હતા. તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા સુરક્ષા જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને બોમ્બ સ્કવોડની મદદથી તપાસ કરી હતી. જો કે, કંઈ વાંધાજનક નહીં મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ચેન્નાઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5314ને બોમ્બની ધમકી મળી છે. મુંબઈમાં ઉતરાણ વખતે ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું હતું. સુરક્ષા એજન્સીની સૂચના પર પ્લેનને નિર્જન જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું. તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા છે. હાલ પ્લેનની શોધ ચાલી રહી છે. તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ એરક્રાફ્ટને ટર્મિનલ વિસ્તારમાં પરત લાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોઈપણ ફ્લાઈટમાં બોમ્બની ધમકીની આ ત્રીજી ઘટના છે. આ પહેલા દિલ્હીથી બનારસ જતી ફ્લાઈટને પણ આવી જ ધમકી મળી હતી. આવો જ એક કિસ્સો દિલ્હીથી શ્રીનગરની ફ્લાઈટમાં સામે આવ્યો છે. હવે શનિવારે ચેન્નાઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આ પ્રકારની નોટ મળી આવી હતી. સુરક્ષા એજન્સીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.