Site icon Revoi.in

વડોદરા એરપોર્ટ ઉપર બોમ્બની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

Social Share

અમદાવાદઃ વડોદરા એરપોર્ટના અધિકારીઓને શનિવારે બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, કંઈ વાંધાજનક કઈ વસ્તુ ના મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, વડોદરાના હરણી એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ને શુક્રવારે સવારે ઈમેલ મળ્યો હતો. આ પછી પોલીસ, ફાયર વિભાગ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડે શોધખોળ હાથ ધરી હતી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે ઈમેઈલ આઈડી generalshiva76@rediffmail.com પરથી મોકલવામાં આવેલ ઈમેલમાં ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને ભુજ સહિતના એરપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ બોમ્બના સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે, ઈમેલમાં સૂચિબદ્ધ તમામ એરપોર્ટ માટે ખતરો સામાન્ય છે. એરપોર્ટ પરિસર અને ફનલ વિસ્તારની તપાસ કરવામાં આવી હતી અને બોમ્બની ધમકી બોગસ હોવાનું જાણવા મળ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351 (4) (અનામી સંદેશાવ્યવહાર દ્વારા ગુનાહિત ધમકી) હેઠળ હરણી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ઈમેલમાં લખ્યું હતું કે, ‘મેં તેના અહંકાર પર ઘા કર્યો છે અને તેને નારાજ કર્યો છે. હાહાહા! પરિણામ? ધડાકો જોરદાર વિસ્ફોટ! હોહોહોહોહોહો! કોઈ રોકી શકતું નથી, કોઈ બચી શકતું નથી! રમત શરૂ થઈ ગઈ છે!’