Site icon Revoi.in

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Social Share

ગાંધીનગરઃ શહેરના રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલથી કોઈએ આપતા યુનિવર્સિટીના સત્તાધિશોએ પોલીસને જાણ કરી હતી. આથી  ઈન્ફોસિટી, લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમો, ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોડ સાથે દોડી આવી હતી. પોલીસે દ્વારા મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેનાં પગલે યુનિવર્સિટીના હોસ્ટેલ ખાલી કરાવી વિદ્યાર્થીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા. જો કે પોલીસ અને બોમ્બ સ્કવોર્ડની ટીમે વહેલી પરોઢ સુધી આખી યૂનિવર્સિટીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ ધમકી મુજબની કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળી આવતાં સૌએ રાહતનો દમ લીધો હતો.

પાટનગર ગાંધીનગરના રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેઈલ મળતાં યુનિવર્સિટીના સત્તાધિશોએ પોલીસને જાણ કરી હતી,  આથી જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ ગંભીર નોંધી લઈ તાત્કાલિક ઈન્ફોસિટી પોલીસ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ડોગ સ્કવોર્ડની ટીમને યુનિવર્સિટી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવી હતી. બીજી તરફ ઘટનાની ગંભીરતા લઈને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પણ બોયઝ – ગર્લ્સ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવાઈ હતી. જેનાં પગલે યુનિવર્સિટીનાં સ્ટુડન્ટ્સ હોસ્ટેલની બહાર કેમ્પસમાં દોડી ગયા હતા. જ્યારે પોલીસની અલગ અલગ ટીમોએ કલાકો સુધી સમગ્ર યુનિવર્સિટીમાં બોમ્બ સ્કવોડને સાથે રાખીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. પોલીસની અલગ અલગ ટીમોએ વહેલી પરોઢિયે સુધી GNLU યૂનિવર્સિટીનાં દરેક ખુણામાં ડોગ સ્કવોર્ડની ટીમ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડોગ સ્કવોડની ટીમ સાથે પોલીસે એડમિન ઓફિસના દરેક વિભાગો, ડાયરેક્ટર બંગલો તેમજ આસપાસના વિસ્તારો ઉપરાંત યુનિર્વિસટીનાં દરેક એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તદુપરાંત વીઆઇપી રેસિડેન્શિ, સ્ટાફ ક્વાર્ટર્સ તેમજ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પણ ઝિણવટ ભરી તપાસ આદરી હતી.જો કે પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન યુનિવર્સિટીમાંથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હતી.

પોલીસે વહેલી પરોઢિયે સુધી સમગ્ર યુનિવર્સિટીનાં ચારે તરફના ખૂણે ખૂણા ફેંદી નાખવામાં આવ્યા હતા. બાદમાં પોલીસ તપાસ પૂર્ણ થતાં સ્ટુડન્ટ્સને હોસ્ટેલમાં એન્ટ્રી આપવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા ઈ મેઈલ આઈડીની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.