અમદાવાદઃ દેશભરમાં આજે તા. 14મી થી 21મી નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઊજવાય રહ્યું છે. ગુજરાત યુનિ.માં શૈક્ષણિક કાર્ય શરૂ થવાના પ્રારંભે જ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયના ગાર્ડન ખાતે “પ્રજ્ઞા પુસ્તક પરબ” શરૂ કરવામાં આવેલી છે. આ અંતર્ગત મહિનાના બીજા અને ચોથા શનિવારે વિદ્યારર્થીગણ સહિત નાગરિકોને પણ પુસ્તકો વિના મૂલ્યે વાંચનાર્થે આપવામાં આવશે. ગ્રંથાલય દ્વારા આ માટે ગ્રંથાલયની સામે આવેલા બગીચામાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓના અવર-જવરના રસ્તે આ “પ્રજ્ઞા પુસ્તક પરબ” અંતર્ગત સવારે 9થી બપોરે 12 કાર્યરત રહેશે.
આ પ્રસંગે કા.ગ્રંથપાલ અને ઉપકુલપતિ દ્વારા ગ્રંથાલય ખાતે વાંચન કરવા આવતી વિદ્યાર્થિનીને પુસ્તક ભેટમાં આપી આ “પ્રજ્ઞા પુસ્તક પરબ”ની શરૂઆત કરી હતી. કા.ગ્રંથપાલ ડૉ.યોગેશ પારેખે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી ખાતે બહુવિધ સંખ્યામાં શહેર વિસ્તાર સાથે અંતરિયાળ વિસ્તાર અને ગામડાના વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ અર્થે આવતા હોય છે. જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સાથે જે વાંચન પ્રેમી છે તેઓને આ અંતર્ગત સાંકળી લેવાયા છે. સાથે આવા ભેટમાં આવેલા પુસ્તકોનો યોગ્ય ઉપયોગ થાય, તેના વાંચકો સુધી પહોંચે એ શુભ આશયથી આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
તેમણે કહ્યું, ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે અભ્યાસપૂર્ણ કરી ગયા બાદ તેમજ સમાજના નાગરિકોમાંથી અભ્યાસલક્ષી અને સમાજલક્ષી પુસ્તકો ભેટમાં આપવા અંગેની ઘણી ઇન્કવાયરી આવતી હોય છે. ત્યારે અમે સામાન્ય રીતે આ ઇન્કવાયરી અંતર્ગત જે તે વિદ્યાર્થી અર્થાત વિષયલક્ષી જરૂરિયાત હોય ત્યાં રિફર કરતા હોઇએ છે. પરંતુ આ અભિયાન અંતર્ગત હવેથી વિષયોને છટણી કરીને ભેટમાં આવેલા પુસ્તકો આ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ અને નાગરિકોને વિનામૂલ્યે આપવામાં આવશે. આ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે મહિનામાં બીજા અને ચોથા શનિવાર રોજ વિદ્યારર્થીગણ સહિત નાગરિકોને પણ પુસ્તકો વિના મૂલ્યે વાંચનાર્થે આપવામાં આવશે. ગ્રંથાલય દ્વારા આ માટે ગ્રંથાલયની સામે આવેલા બગીચામાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓના અવર-જવરના રસ્તે આ “પ્રજ્ઞા પુસ્તક પરબ” અંતર્ગત સવારે 9થી બપોરે 12 કાર્યરત રહેશે. ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ સદસ્ય અને પ્રોફેસર ડો.મયુરી ભાટીયા સાથે પ્રોફેસર અને સેનેટ સભ્ય ડો.મુકેશ ખટીક દ્વારા પુસ્તકો ભેટમાં આપવાની તૈયારી દર્શાવી છે, સાથે આ અભિયાનમાં વિદ્યાર્થીઓ સહિત સમાજના નાગરિકો પણ જોડાઇ શકશે. આ અભિયાનમાં ભેટમાં આવેલ પુસ્તકો જેમાં શિક્ષણના વિષયલક્ષી સાથે સામાજિક બાબતોને આવરી લેતા રૂ.1થી લઈને રૂ.5000 સુધીના પુસ્તકો જે કિંમત અને કન્ટેટ બંને રીતે આવરી લેવામાં આવેલા છે.