Site icon Revoi.in

અમદાવાદમાં રિઅલ એસ્ટેટમાં તેજી, છેલ્લા દોઢ મહિનામાં 700 જેટલા નવા બિલ્ડિંગના પ્લાનને મંજુરી

Social Share

અમદાવાદઃ શહેરમાં ભલે  લોકો મંદીની બુમો પાડતા હોય પણ રિઅલ એસ્ટેટના ક્ષેત્રમાં તો તેજી જોવા મળી રહી છે. શહેરમાં દોઢ માસમાં નવા બિલ્ડિંગના અંદાજે 680થી વધુ પ્લાનને મંજૂરી મળી જતાં ઓનલાઈન ફી ભરી દેવાઇ છે.  મ્યુનિ. કોર્પોરેશને બિલ્ડિંગ બાંધકામના તમામ પ્લાનની અરજી મંજૂર કર્યાનો દાવો કર્યો છે. બિલ્ડર એસોસિએશનના કહેવા મુજબ  પાર્કિંગ પોલિસીમાં નવી ટી.પી.માં 25 ટકા પાર્કિંગની વ્યવસ્થા ઉપરાંત રિડેવલપમેન્ટ સ્કીમોમાં બેઇઝમેન્ટની ઊંચાઇ 15 ફૂટ ફરજિયાત કરે તો મિકેનિકલ સ્ટેન્ડ પર વાહન પાર્કિંગ મળી શકે તેમ છે. શહેરના સાઉથ બોપલથી લઈને વૈશ્નોદેવી, એસપી રિંગ રોડ અને પૂર્વના વિસ્તારોમાં અનેક નવી હાઈરાઈઝ સ્કીમો બની રહી છે. જ્યારે ઘણીબધી સ્કીમો પાઈપલાઈનમાં છે. બિલ્ડર્સના કહેવા મુજબ અમદાવાદ શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે. તે જોતા આગામી દિવસોમાં મકાનોની મોટી માંગ ઊભી થશે, એટલે રોકાણો માટે પણ રિઅલ એસ્ટેટમાં હાલ સોનેરી સમય ગણાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વેગવંતા બને તે માટે 90 મીટર સુધીના એફોર્ડેબલ પ્રોજેક્ટમાં જંત્રીના 20 ટકા પેઈડ એફએસઆઈ નક્કી કરી છે. અમદાવાદ શહેરમાં 55થી 60 ટકા કાર્યરત પ્રોજેકટને અસર થશે. ટીઓઝેડમાં સમાવિષ્ટ 90 મીટરથી મોટા પ્રોજેક્ટમાં જંત્રીના 30 ટકાના બદલે 20 ટકા કરવા જોઇએ. આ ઘટડાથી નવા ફલેટની કિંમતમાં વધુ અસર થતાં અટકશે. આ નહીં થાય તો એફોર્ડેબલ સિવાયના મકાનો 15થી 20 ટકા મોંઘા થશે. એવું લાગે છે. મ્યુનિ.એ  દોઢ મહિનામાં રહેણાક, કોમર્શિયલ અને રિડેવલપમેન્ટ સ્કીમ મળી અંદાજે 680થી વધુ  બાંધકામના નવા પ્લાન મંજૂર કર્યા છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં 55 ટકા અને પૂર્વ વિસ્તારમાં 45 ટકા પ્લાન મંજૂર કરાયા છે. મ્યુનિ.ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, દોઢ મહિનામાં જૂની જંત્રીમાં અંદાજે 50 રિડેવલપમેન્ટના પ્લાનને મંજૂરી અપાઇ છે. સબંધિત ડેવલપર્સે જંત્રી મુજબ ફી ભરી છે અને સોસાયટીઓ સાથે રિડેવલપમેન્ટ એગ્રીમેન્ટ પણ કરી દેવાયા છે. ત્રણ વર્ષમાં પશ્ચિમ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ સ્કીમોમાં નવા એફોર્ડેબલ મકાન વધશે.