Site icon Revoi.in

અમરેલી જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક

Social Share

અમરેલી:  જિલ્લામાં આ વર્ષે કપાસનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. અને જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ્સમાં કપાસની આવક શરૂ થઈ છે. યાર્ડ્સમાં કપાસના ભાવ પ્રતિ 20 કિલોના રૂપિયા 1600 ઉપજતા ખેડુતોમાં ખૂશી જોવા મળી રહી છે.યાર્ડ્સમાં  કપાસ લઈને આવતા વાહનોની  લાઈન જોવા મળી રહી છે. જિલ્લાના બાબરા અને સાવરકુંડલા યાર્ડમાં સોમવારે 60 હજાર મણ કપાસની આવક થઈ હતી.

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના કહેવા મુજબ  સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સોમવારે 30,000 મણ કપાસની આવક થઈ હતી. ગામેગામથી 520 થી વધુ વાહનો કપાસ લઈને આવી પહોંચ્યા હતા. યાર્ડની બહાર વાહનોની કતાર લાગી હતી. યાર્ડમાં 1300 રૂપિયાથી લઈને 1,600 રૂપિયા સુધી કપાસનો ભાવ મળી રહ્યો છે જેથી મોટી સંખ્યામાં ખેડૂતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ લઈને આવી પહોંચ્યા હતા. સોમવારે સૌથી વધારે કપાસની આવક નોંધાઈ હતી.

જ્યારે બાબરા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના કહેવા મુજબ  “બાબરા માર્કેટિંગ યાર્ડમાં સોમવારે સૌથી વધુ 30,000 મણ કપાસની આવક થઈ હતી. કપાસનો ભાવ 1300 રૂપિયાથી લઈને 1570 રૂપિયા સુધી બોલાયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે. દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખેડૂતો હાલ કપાસનું વેચાણ કરી રહ્યા છે.

જ્યારે અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર આવક થઈ છે. અતિવૃષ્ટિથી પરેશાન થયેલા ખેડૂતો કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને સારા ભાવ મેળવી રહ્યા છે. જિલ્લામાં એક દિવસમાં 85 હજાર મણ કપાસની આવક નોંધાય છે અને ખેડૂતોને 300 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે