Site icon Revoi.in

રાજકોટના માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક, મગફળી, કપાસ અને તલના ઉપજતા સારા ભાવ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની આવક શરૂ થઈ ગઈ છે. આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાન રહ્યુ હોવાથી ખરીફ પાકનો ઉતારો પણ સારોએવો થઈ રહ્યો છે. ગત વર્ષે કપાસના સારા ભાવ રહ્યા હોવાથી આ વખતે ખેડુતોએ કપાસના પાકનું સારૂએવું વાવેતર કર્યું હતું. એટલે સૌરાષ્ટ્રમાં કપાસનું મબલખ ઉત્પાદન થવાની ધારણા છે. અને હાલ માર્કેટ યાર્ડમાં સૌથી વધુ આવક કપાસની આવક થઈ રહી છે. રાજકોટના બેટી યાર્ડમાં મગફળી, કપાસ, અને તલની આવક સારીએવી થઈ રહી છે. હાલ વરસાદી વાતાવરણ હોવા છતાં ખેડુતો સારી રીતે દિવાળી મનાવી શકે તે માટે કૃષિ જણસ વેચવા માટે આવી રહ્યા છે.  કપાસ,મગફળી અને તલના એકંદરે સારા ભાવ મળી રહ્યા છે. જોકે કપાસના ભાવ ગત વર્ષ કરતા થોડા ઓછા હોવાનું ખેડુતો કહી રહ્યા છે. ખેડુતોને કપાસની ક્વોલીટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે. કપાસ ભેજવાળો ન હોય તો સારા ભાવ મળી રહ્યા છે.

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં સોમવારે વહેલી સવારે થયેલી હરાજીમાં પ્રતિ 20 કિલોના ભાવ ગુણવત્તા અનુસાર મગફળીના રૂપિયા 1400, કપાસમાં 1800 અને સફેદ તલના ભાવ વધીને .2630થી 2640 સુધી પહોંચ્યા હતા.

માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વાવેતરના પ્રમાણમાં ઉત્પાદન ઓછું હોય નવી સિઝનમાં પ્રારંભિક તબક્કેથી જ ઉંચા ભાવ જોવા મળી રહ્યા છે. મગફળીમાં હાલ રજિસ્ટ્રેશન અને ટોકન સિસ્ટમથી આવક કરવામાં આવી રહી હોય આવક પ્રમાણમાં ઓછી થઈ રહી છે. સોમવારે 17000 ગુણી મગફળીની આવક સામે પ્રતિ 20 કિલોનો ભાવ .1150થી 1400 સુધી રહ્યો હતો. જ્યારે કપાસમાં અંદાજે 18000 મણની આવક સામે ભાવ .1500થી 1800 સુધી રહ્યા હતા. તેમજ સફેદ તલમાં સોમવારે 2000  કોથળાની આવક સામે ભાવ  2630થી 2640 સુધી રહ્યો હતો. તલમાં બે દિવસમાં ભાવમાં .80 જેટલો વધારો નોંધાયો છે.