Site icon Revoi.in

રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક, પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં અસંતોષ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે શાકભાજીનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજીનું વિપુલ ઉત્પાદન થતાં હાલ માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે. જોકે હાલ શાકભાજીની વધુઆવકથી ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જે શાકભાજી યાર્ડમાં 2 મહિના પૂર્વે મણના રૂા.400 થી 500 ભાવ બોલાતો હતો. તે હવે મણ 80 થી 100 ના ભાવે વેચાતા ખેડુતોને ખર્ચ પણ માથે પડી રહ્યો છે.  શાકભાજીમાં  કોબીજના ભાવ સૌથી વધુ ઘટી ગયા છે. હાલ કોબી યાર્ડમાં રૂા.1 ના ભાવે  કિલો વેચાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે.મધરાત બાદ યાર્ડના ઝાંપે શાકભાજી વેચવા માટે આવતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. યાર્ડમાં લોધિકા, પડધરી, ચોટીલા, જસદણ, વાંકાને૨ સહિતના સેન્ટરોમાંથી આવક થઈ ૨હી છે.રોજ 1500થી વધુ ગાડીઓનું લોડીંગ થાય છે. ક્યારેક કેટલાક ખેડૂતો ભાવ ન મળતા બારોબાર અન્ય મહાનગરોમાં શાકભાજી વેચવા માટે મોકલી રહ્યા છે. હાલ શીયાળાના શાકભાજીનો યાર્ડમાં ભરાવો થઈ ચૂક્યો છે. છેલ્લા 15 થી 20 દિવસથી સતત શાકભાજીના ભાવ ઘટી ૨હયા છે. તેમજ આ સ્થિતિ હજુ આમ જ ૨હેશે તેવું યાર્ડના વેપારીઓનું  કહેવું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદાનસભાની ચૂંટણી અને લગ્નસિઝનના કા૨ણે શાકભાજીના માલનો રોજેરોજ  નિકાલ થઈ જતો હતો આથી ભાવ પણ સ્થિ૨ ૨હેતા હતા. પરંતુ હવે ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે કમુર્તા શરૂ થતા લગ્નો પણ યોજાશે નહીં તેથી શાકભાજીની મોટી ખરીદી અટકી ગઈ છે. જેના લીધે  યાર્ડમાં શાકભાજીનો ભરાવો થઈ ૨હયો છે. કેટલાક ખેડૂતોને પોતાનો માલ ફેકી દેવા જેવી પરિસ્થિતિ સર્જાય ૨હી છે. ખેડૂતોને અત્યારે ગાજ૨, કોબી, ફલાવ૨ના ભાવ જ નથી મળી ૨હયા જે લીંબુ 300 ના કિલો હતા. તે હાલ 10, 12ના ભાવે  કિલો છે.

રાજકોટ યાર્ડના વેપારીઓની પરેશાની છે કે, માલને  રાખવો ક્યાં ? આવતીકાલથી આ સ્થિતિ વધુ ખરાબ થશે યાર્ડમાં માલ ઠલાવવા આવતા ખેડૂતોને હાલ વાહનોના  ભાડાનો ખર્ચ પણ નિકળતો નથી. હાલ ટમેટા-વટાણા બહા૨થી આવી ૨હયા છે ટમેટા ગુજરાતના અન્ય શહેરોમાંથી આવી ૨હયા છે. તેમજ વટાણા મધ્યપ્રદેશમાંથી આવી રહ્યા છે. તેમજ આદુ બેંગ્લો૨થી આવે છે. યાર્ડમાં લીંબુ રૂા.7 થી 20, બટેટા રૂા.8 થી 21, ડુંગળી 4 થી 12, ટમેટા રૂા.5 થી 11, કોથમરી 5 થી 13, રીંગણા રૂા.5 થી 7, કોબીજ રૂા.1 થી 4, ફલાવ૨ રૂા.5 થી 16, ભીંડો રૂા.17 થી 35, દુધી રૂા.5 થી 10, વટાણા રૂા.10-5 , બીટ રૂા.3 થી 13, મેથી 5 થી 15, આદુ રૂા.40 થી 50, 11 થી 25 કિલોના ભાવ બોલાયા હતા.