અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે આજે સોમવારથી ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિન નો પ્રીકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-29ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં સિનિયર સિટીઝનોએ વેક્સિન લાવા માટે લાઈનો લગાવી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આજથી ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ કરાયો હતો. રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્યભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ વગેરે પણ જોડાયા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આજથી સિનિયર સિટીઝન માટે બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સિનિટર સિટીઝનને બુસ્ટર ડોઝ આપવા માટે ત્રણ શરતો રાખવામાં આવી છે. જેમાં વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા હોય, તથા બીજો ડોઝ ઓછામાં ઓછા 9 મહિના(37 સપ્તાહ એટલે કે 273 દિવસ) પહેલા લીધેલો હોવો જોઈએ. અને માત્ર કોર્મોર્બિડિટી(ઘણી બીમારી ધરાવતા) વાળા વૃદ્ધો જ ત્રીજો ડોઝ લઈ શકશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, જે લોકોએ 3 મે કે તે પહેલા બીજો ડોઝ લીધો હોય. તેમને 31 જાન્યુઆરી સુધીમાં પ્રીકોશન ડોઝ મળશે. જ્યારે પણ જે તે વ્યક્તિ પ્રીકોશન ડોઝ માટે માન્ય થઈ જશે, તો કોવિન તેમને ટેક્સ્ટ મેસેજ મોકલીને માહિતી આપશે કે ત્રીજો ડોઝ લેવાનો સમય આવી ગયો છે. પ્રીકોશન ડોઝ લેવા માટે ઓનલાઈન સ્લોટ બુકિંગની સાથે વેક્સિન કેન્દ્રો પર પણ બુકિંગ થઈ શકશે. જોકે પ્રીકોશન ડોઝ ક્યાં વેક્સિન સેન્ટર પરથી મળશે, તે અંગેની માહિતી તમને કોવિન એપ પર જ મળશે. પ્રીકોશન ડોઝ કે ત્રીજો ડોઝ લીધા પછી લાભાર્થીનું સર્ટિફિકેટ તેની જાતે અપડેટ થઈ જશે.