Site icon Revoi.in

ભચાઉમાં બુટલેગરે પોલીસ પર કર્યો હત્યાનો પ્રયાસ, બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ

Social Share

ભૂજઃ કચ્છમાં કેટલાક પોલીસ કર્મચારીઓની સાંઠગાંઠથી દારૂની બદી વકરી છે. ત્યારે ભચાઉ નજીક સમીસાંજે દારૂના ગુનામાં વોન્ટેડ ચિરઈના કુખ્યાત બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર થાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે થાર જીપ લઈ નાશી રહેલા બુટલેગર પર એક રાઉન્ડ ફાયરિંગ કરી ઝડપી લીધા બાદ કારની તલાશી લેતા તેમાંથી 18 બિયરના ટીન મળી આવ્યા હતા અને એક મહિલા કોન્સ્ટેબલ પણ બુટલેગરની સાથે હોય પોલીસે તેની પણ ધરપકડ કરી બે અલગ અલગ ગુના દાખલ કર્યા હતા. બુટલેગર સાથે થારમાં બેઠેલા મહિલા કોન્સ્ટેબલ મીતાબેન ચૌધરીની ધરપકડથી પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ બનાવ અંગે ભચાઉના પીએસઆઈ ડી.જી. ઝાલાએ સરકારપક્ષે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચિરઈ ગામના કુખ્યાત શખસ યુવરાજસિંહ જાડેજા અને મહિલા કોન્સ્ટેબલ મીતાબેન ચૌધરીનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ચિરઈ ગામના કુખ્યાત શખસ યુવરાજસિંહ જાડેજા સામે હત્યાના પ્રયાસ, એટ્રોસીટી અને પ્રોહિબીશનના 14 જેટલા ગુના નોંધાયા હોય અને આ શખસ દારૂના ગુનામાં વોન્ટેડ હોય અને રવિવારે સાંજે આરોપી થાર ગાડીમાં આવી રહ્યો હોવાની માહિતી મળતા ભચાઉ પોલીસ અને એલસીબીના સ્ટાફે ભચાઉ નજીક ગોલ્ડન બ્રીજની નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી થાર ગાડી લઈ નીકળતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસ પાર્ટી પર થાર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો અને કાર લઈ ભાગી છુટ્યો હતો પરંતુ પોલીસે પીછો કરી થાર ઉપર ફાયરીંગ કરતા આરોપી ઉભો રહી ગયો હતો જેની પોલીસે ધરપકડ કરી થારની તલાશી લેતા તેમાંથી 18 બિયરના ટીન મળી આવ્યા હતાં. કુખ્યાત બુટલેગરની સાથે મહિલા કોન્સ્ટેબલ મીતાબેન ચૌધરી પણ ગુનામાં સાથે હોય જેની સામે પણ હત્યાનો પ્રયાસ અને પ્રોહીબીશન ભંગનો ગુનો નોંધી તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કામગીરી ભચાઉ પોલીસની સાથે એલ સી બીનો સ્ટાફ પણ મદદમાં રહ્યો હતો.