- બુટલેગરે કોન્સ્ટેબલ પર સ્કોર્પિયો ચડાવવાનો પ્રયાસ કર્યો હતો,
- પોલીસે સેલવાસના એક ગેરેજમાંથી સ્કોર્પિયો જપ્ત કરી,
- બુટલેગર સામાન્ય વાતમાં મારામારી કરવા ટેવાયેલો છે
સુરતઃ શહેરના ભેસ્તાનમાં પોલીસ પીસીઆર વાન ઉપર હુમલો કરવાના કેસમાં બુટલેગર યુસુફ ખાન હજુ ફરાર છે, પરંતુ બુટલેગરે જે સ્કોર્પિયોથી પોલીસ કોન્સ્ટેબલ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો, તે સેલવાસના એક ગેરેજમાંથી પોલીસે કબજે કરી છે. આ સાથે જ આરોપીને 24 કલાકમાં જ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
શહેરના ભેસ્તાનમાં પોલીસ પર હુમલો થવાની ઘટનામાં બેફામ બુટલેગર હાલમાં પોલીસ પકડથી દૂર છે. આરોપી યુસુફએ ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને કચડવા માટે 10 મિનિટ સુધી ગોળગોળ સ્કોર્પિયો ફેરવી હતી. ત્યારબાદ આરોપીએ કારથી પોલીસની પીસીઆર બોલેરો સાથે જોરથી અથડાવી હતી. જાન્યુઆરી મહિનામાં પ્રોહિબિશન કેસમાં ઝડપાયેલો આરોપી યુસુફ પોતાની કાળા રંગની સ્કોર્પિયોથી પીસીઆર વેનને આગળ અને પાછળથી અનેકવાર ટક્કર મારી હતી, જેમાં પીસીઆર વેનને નુકસાન થતા પોલીસ ફરિયાદ પણ થઈ છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ દારૂની હેરાફેરીની સાથે આરોપી માટે મારામારી કરવી સામાન્ય બાબત છે. આ ઘટનામાં આરોપી યુસુફે પહેલા તો પોલીસ કોન્સ્ટેબલને ગાળો આપી હતી અને ત્યારબાદ સ્થળ પર ઉભેલા કોન્સ્ટેબલ ગુંજનને દુકાન પરથી દૂર થઈ જવા માટે જણાવ્યું હતું. જે બાદ ગુંજનને પટ્ટા પરથી પકડીને ધક્કા મૂકી કરી હતી, ત્યારબાદ રિતેશ નામના કોન્સ્ટેબલે ત્વરિત ફોન કરતા યુસુફને પકડવા પીસીવારવાન આવી હતી. પીસીઆર વાનને ટક્કર મારતી વખતે બુટલેગરની સ્કોર્પિયોને પણ નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સેલવાસ તરફ નાસી ગયો હતો અને સેલવાસના એક ગેરેજમાં પોતાની સ્કોર્પિઓ કાર બનાવવા માટે આપી હતી. હાલ આ કારને ભેસ્તાન પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.