અમદાવાદઃ ગુજરાતમાં દારૂના દુષણને ડામવા માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન દેવગઢ બારિયામાં દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડા પાડ્યાં હતા. આ દરમિયાન બુટલેગર અને તેના સાગરિતોએ પોલીસ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. પોલીસ અને બુટલેગરો વચ્ચે લગભગ 12 રાઉન્ડ જેટલુ ફાયરિંગ થયું હતું. દેવગઢ બારિયામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે સામ-સામે ધાણીફુટ ગોળીબારને પગલે લોકોમાં ભય ફેલાયો છે. બીજી તરફ બેફામ બનેલા બુટલેગરો તકનો ગેરલાભ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી ગોઠવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર દેવગઢ બારિયાના ધાનપુરમાં બુટલેગર ભીખા પરમારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગની ટીમે રાત્રિના સમયે દરોડા પાડ્યાં હતા. બીજી તરફ પોલીસના દરોડાની જાણ થતા જ ભીખા પરમાર અને તેના સાગરિતોએ પોલીસની ટીમ ઉપર ગોળીબાર કર્યો હતો. બુટલેગરોએ પોલીસ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરતા પોલીસે પણ પોતાના સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. બુટલેગરોએ પોલીસની ટીમ ઉપર લગભગ 8 રાઉન્ડ જેટલુ ફાયરિંગ કર્યું હતું. જ્યારે પોલીસે આરોપીઓની સામે ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. દરમિયાન આ તકનો ગેરલાભ લઈને અંધારામાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.
આ ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ LCB અને SOG પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો. ગોળીબારની આ ઘટનામાં સદનસીબે કોઈ પોલીસ કર્મચારીને ઈજા નહીં થઈ હોવાનું જાણવા મળે છે. બીજી તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. તેમજ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને વાહન ચેકીંગ વધારે તેજ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં દારૂબંધીનો પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને દારૂના નેટવર્કને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ બુટલેગરો પણ પોલીસને ચકમો આપવા માટે દારૂની હેરાફેરી કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. તેમજ અન્ય રાજ્યોની સરહદ ઉપર બહારથી આવતા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
(Photo-file)