અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મિથાઈલ આલ્કોહોલ નામનું કેમિકલ પાણી સાથે મીક્સ કરેલી પીધા બાદ અત્યાર સુધીમાં 28 વ્યક્તિઓના મોત થયાનું ખુલ્યું છે. બોટાદમાં 22 અને અમદાવાદ ગ્રામ્યમાં કેમિકલ પીવાથી 6 વ્યક્તિના મોત થયાં હતા. આ પ્રકરણમાં પોલીસે મુખ્ય સુત્રધાર સહિતના આરોપીઓને ઝડપી લીધા છે. તેમજ તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ 460 લીટર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું હતું.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, જયેશ ઉર્ફે રાજુ અસલાલી ખાતે એક કેમિકલના ગોડાઉનમાં નોકરી કરતો હતો. ગોડાઉનમાં મીથાઈલ આલ્કોહોલના બેરેલ રાખવામાં આવે છે અને આ કેમિકલ ચાંગોદરની એક કંપનીને સપ્લાય કરવામાં આવે છે. અહીંથી જયેશે 600 લીટર કેમિકલની ચોરી કરીને પરિચીત સંજયને આપ્યું હતું. સંજ્યે 200 લીટર કેમિકલ પોતાની પાસે રાખીને 200 લીટર અન્ય સાગરિત અજીત (રહે, નાભોઈ) અને પિન્ટુ નામના શખ્સને 200 લીટર આપ્યું હતું.
આ ત્રણેય શખ્સોએ તે બાદ આ કેમિકલ અન્ય લોકોને સપ્લાય કર્યો હતો. આ કેમિકલનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીલ એરિયામાં વધારે થાય છે. મોટા ભાગે પેન્ટીંગ, ફાર્મસિ સહિતના એકમોનો ઉપયોગ કરવામાં આવે છે. મિથાઈલ આલ્કોહોલ સાથે પાણી મિક્સ કરીને લોકોએ પીધું હતું. આ બનાવમાં 28 લોકોના મોત થયાં છે. હજુ બે મૃતકોનું મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાને લઈને અમદાવાદ રૂરલ, બરવાડા અને રાણપુરમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મોટાભાગના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. તેમજ અમદાવાદ અને ભાવનગરની હોસ્પિટલમાં કેટલાક અસરગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.