અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને પગલે પોલીસ વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ આ પ્રકરણમાં દારૂનું વેચાણ કરનારા બુટલેગર સહિતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. દરમિયાન આ પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર મનાતા આરોપી જયેશ ખાવડિયાની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ અન્ય આરોપી સંજયને 600 લિટર કેમિકલ આપ્યું હતુ. આ કેમિકલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને સંજયે તેના મળતીયાઓને મોકલી આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 25 ઉપર પહોંચ્યો છે. જ્યારે હજુ લગભગ 40 લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ મૃત્યુઆંક વધવાની શકયતા છે. સરકારે સમગ્ર પ્રકરણની તપાસ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં સિટની રચના કરી છે. ગુજરાત ATSએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની પીપળજથી ધરપકડ કરી હતી. આરોપી એક કેમિકલ કંપનીના ગોડાઉનમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. એટલું જ નહીં ગોડાઉમાંથી 600 લિટર કેમિકલની ચોરી કરીને સંજય નામના આરોપીને આપ્યું હતું.
આ કેમિકલ સંજય અને તેના સાગરિતોએ કોથળીમાં ભરીને મળતિયાઓને મોકલી આપ્યો હતો. આ પીધા બાદ લઠ્ઠાકાંડ સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે.
સમગ્ર પ્રકરણમાં પોલીસે 5થી વધારે આરોપીઓને ઝડપી લઈને તેમની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસે ધરપકડ કરેલા 5 આરોપીઓ પૈકી 2 આરોપીઓ અમદાવાદ અને 3 આરોપીઓ બોટાદના હોવાની માહિતી મળી છે.