ગાંધીનગરઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે વિરોધ વ્યાપક બની રહ્યો હોવાથી રાજ્ય સરકારે ચિક્કી સાથે મોહનથાળનો પ્રસાદ આપવાની તૈયારી દર્શાવી છે, રાજ્ય સરકારે મધ્યસ્થી કરીને ફરી એક વખત અંબાજીના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ભકતોને મળે તે સુનિશ્ર્ચિત કર્યુ છે. જો કે ચીકકીનો પ્રસાદ પણ યથાવત રહેશે અને શ્રદ્ધાળુઓને કયો પ્રસાદ જોઈએ છે તે જણાવવાનું રહેશે. સરકારે આવો નિર્ણય લીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બીજી બાજુ અંબાજીમાં ધરણા, રેલી, સભા-સરઘસ, યોજવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શક્તિપીઠ અંબાજીમાં ચાર માર્ચથી મોહનથાળ બંધ કરી ચીકીનો પ્રસાદ આપવાની શરૂઆત થતા જ શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મંદિરના ભટ્ટજી, દાંતાના મહારાજથી લઈ વિપક્ષ કોંગ્રેસે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ વિવાદ વચ્ચે ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારે ચીકીને પ્રસાદમાં ઘૂસાડી દીધી છે. ભક્તોને પ્રસાદમાં પ્રિય મોહનથાળ છે. છતાં સરકારે બંનેને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં મોહનથાળની ક્વોલિટી સુધારવામાં આવશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અંબાજી મંદિરમાં મોહનથાળના સ્થાને ચિક્કીનો પ્રસાદ અપાતા ભક્તો અને વિવિઘ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાં કરવામાં આવ્યા હતા. વિરોધ વ્યાપક બની રહ્યો હતો ત્યારે સોમવારે અંબાજી મંદિરના ગેટ નંબર 7 પર જાહેરનામું લગાવવામાં આવ્યું હતું. જેમા 10 માર્ચથી 24 માર્ચ સુધી કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના ઉપવાસ, ધરણાં, રેલી યોજી શકાશે નહીં. શાંતિ-સલામતિ જળવાઇ રહે અને સૌહાર્દપૂર્ણ માહોલ બની રહે તે સારૂ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 37 (3) અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા દ્વારા તા.10/03/2023થી તા. 24/03/2023 (બંને દિવસો સહિત) કોઇપણ પ્રકારના પ્રદર્શન, ધરણાં, ઉપવાસ, રેલી વગેરેની પ્રવૃતિના આયોજકે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર ઉક્ત કોઇપણ કૃત્ય કરવા બાબત, કોઇપણ પ્રકારના માઇક/સાઉન્ડ સીસ્ટમ/ડી.જે.નો ઉપયોગ કરવા બાબત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.