બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા, હરિયાણાથી દિલ્હી સુધી ભગવા દળને થશે ફાયદો
નવી દિલ્હી: બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસના સદસ્ય હતા અને ચૂંટણી પણ લડી ચુક્યા છે. વિજેન્દરસિંહનાભાજપમાં સામેલ થવાથી પાર્ટીને દિલ્હીથી લઈને હરિયાણા સુધી ફાયદાની આશા છે. તે હરિયાણાના ભિવાનીના જ વતની છે અને જાટ સમુદાયમાંથી આવે છે. તેવામાં ભાજપની વિરુદ્ધ જાટોની નારાજગીની જે ચર્ચાઓ ચાલી રહી છે, તેના સમાધાનમાં પાર્ટીને મદદ મળવાની આશા છે. વિજેન્દરસિંહ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને સાઉથ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડયા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડયો હતો.
વિજેન્દરસિંહે કિસાન આંદોલન અને દિલ્હીમાં ધરણાં આપનારી મહિલા પહેલવાનોનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે જો તેમને ન્યાય નહીં મળે, તો પછી કેવી રીતે લોકો પોતાની દિકરીઓને સ્ટેડિયમમાં મોકલશે અને રમતમાં આગળ વધશે. હવે વિજેન્દરસિંહના ભાજપમાં સામેલ થયા બાદ આ આખો નરેટિવ બદલાય તેવી પણ શક્યતા છે. વિજેન્દરસિંહે કહ્યુ છે કે ભાજપમાં આવવું મારા માટે ઘર વાપસી જેવું છે. તેમણે કહ્યુ છે કે આ સરકારમાં ખેલાડીઓને જે માન-સમ્માન મળે છે, તે મહત્વનું છે. હું ઈચ્છીશ કે આ પાર્ટીમાં રહીને હું ખેલાડીઓને સમ્માન અપાવી શકીશ.
તેમણે કહ્યુ છે કે આજે જ્યારે આપણે વિદેશોમાં રમવા જઈએ છીએ, તો અલગ જ માહોલ હોય છે. મહત્વપૂર્ણ છે કે વિજેન્દરસિંહની ભાજપમાં એન્ટ્રી ચોંકાવનારી છે. મંગળવારે રાત્રિ સુદી રાહુલ ગાંધીના ટ્વિટ્સ તેઓ રિટ્વિટ્સ કરી રહ્યા હતા. તેવામાં અચાનક તેમના ભાજપમાં સામેલ થવાના સમાચારે કોંગ્રેસને ચોંકાવી છે. વિજેન્દરસિંહ 2019ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ દિલ્હી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડયા હતા. પરંતુ તેમને ભાજપના તત્કાલિન ઉમેદવાર રમેશ બિધૂડી સામે હાર ખાવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે હરિયાણામાં ભાજપે જનનાયક પાર્ટી સાથે ગઠબંધન તોડી નાખ્યું છે. તેના સિવાય મુખ્યમંત્રી પણ સૈની સમાજના બનાવ્યા છે. કિસાન આંદોલન અને મહિલા પહેલવાનોના આંદોલન પણ થયા છે. તેના કારણે હરિયાણામાં આ ચર્ચા હતી કે ભાજપને જાટોની નારાજગીનો સામનો કરવો પડશે. પરંતુ વિજેન્દરસિંહની એન્ટ્રીથી ભાજપને આ નરેટિવને ખાળવામાં મદદ મળશે.