બ્રાઝિલ: 14મી જૂનથી કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે
નવી દિલ્લી: કોરોનાવાયરસના સંક્રમણના કારણે અનેક પ્રકારની સ્પોર્ટ્સ ઈવેન્ટસને બંધ કરવી પડી હતી અથવા સ્થિગીત કરવી પડી હતી. પણ હવે કોરોનાવાયરસની લહેર ધીરી પડતા બધુ થાળે પડી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે.
એક તરફ યુરોપની સર્વોચ્ચ ફૂટબોલ ટુર્નામેન્ટ – યુરો કપના પ્રારંભના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે બીજી તરફ બ્રાઝિલમાં તારીખ 14મીથી દક્ષિણ અમેરિકાની ટોચની 10 ટીમો વચ્ચે કોપા અમેરિકા ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે. બ્રાઝિલમાં યોજાનારા કોપા અમેરિકામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન યજમાનોની સાથે સાથે આર્જેન્ટીના, ચિલી, ઉરૃગ્વે, કોલંબિયા અને એક્વાડોર ટાઈટલ જીતવા માટે ફેવરિટ તરીકે રેસમાં માનવામાં આવી રહ્યું છે.
કોપા અમેરિકાના આયોજન માટે કોલંબિયા અને આર્જેન્ટીનાના ઈનકાર બાદ બ્રાઝિલને યજમાની સોંપવામાં આવી હતી. જેની સામે પણ વિરોધ થયો હતો. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટમાં કોપા અમેરિકાને અટકાવવા માટે કેસ કરવામાં આવ્યો હતો.
બ્રાઝિલમાં હાલ પણ કોરોના મહામારીની સ્થિતિ ભયાનક છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી બાદ હવે કોપા અમેરિકાના આયોજનની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહામારીના કારણે કોપા અમેરિકાને ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રાઝિલના જુદા-જુદા ચાર શહેરો – બ્રાસિલિયા, રિયો ડી જેનેરો, ગોયાન્યા અને કુઈયાબામાં આવેલા પાંચ સ્ટેડિયમોમાં મુકાબલા ખેલાશે. ભારતીય સમય પ્રમાણે પ્રથમ મેચ તારીખ 13મી જુને મધરાત બાદ એટલે તા.14 જુને મોડી રાત્રે 2.30 વાગ્યાથી થશે. કોપા અમેરિકાના મુકાબલા ભારતીય ફૂટબોલ ચાહકોને ઉજાગરા કરાવશે.