નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એક્સાઈઝ નીતિમાં કથિય કૌભાંડમાં આમ આદમી પાર્ટી (આપ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. કૌભાંડમાં નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા બાદ લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ આજે મનિષ સિસોદિયાએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે, ભાજપનો મેસેજ મળ્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભાજપમાં આવી જશે તો CBI-EDના તમામ કેસ બંધ કરાવી દેવાશે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘મને ભાજપાનો એક સંદેશ મળ્યો છે, જેમાં AAPને તોડીને ભાજપમાં આવી જાઓ, તમામ CBI-ED કેસ બંધ કરાવી દઈશું. મેં ભાજપને જવાબ આપ્યો છે કે, હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવી લઈશ પણ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝુકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. જે કરવું હોય એ કરી લો.’
સીબીઆઈએ સિસોદિયાના ઘરે એક્સાઈઝ પોલિસી મામલે સીબીઆઈના દરોડા પડ્યા હતા. ત્યાર બાદ તેમના સામે કેસ પણ દાખલ કરાયો હતો. સીબીઆઈએ દરોડા બાદ સિસોદિયાના ઘરેથી શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા દસ્તાવેજો જપ્ત કરીને તેને ઈડીને સોંપી દીધા છે. કેન્દ્રીય એજન્સી આ મામલે આગળની કાર્યવાહી કરે તેવી શક્યતા છે. આ મામલે આપ અને ભાજપ સામ-સામે આવી ગયા છે અને એક બીજા ઉપર આક્ષેપ કરી રહ્યાં છે.