Site icon Revoi.in

રાણપુરનો ભાદર નદી પરનો પુલ જર્જરિત, નવો બનાવવા માગ

Social Share

બોટાદઃ  જિલ્લાના રાણપુરના પાદરમાં વહેતી ભાદર નદી પરનો પુલ 61 વર્ષથી અડીખમ ઊભો છે પણ તેની ઉંમર પ્રમાણે અત્યારે જોખમી બન્યો છે. પુલ જર્જરિત બનતા આ અંગે હાઇવેના ઇજનેરી અધિકારીઓને વારંવાર રજૂઆત કરાઈ છે પણ સરકારી અધિકારીઓને કાંઈ પડી નથી. વાહનો પસાર થાય ત્યારે પુલ વાઇબ્રેટિંગ થાય છે. પુલ ઉપરથી પસાર થતી વખતે ચાલકો ભગવાન ભાળી જાય છે ગમે ત્યારે આ પુલ ઉપર મોટા અકસ્માતની સંભાવના છે. ત્યારે વહેલી તકે બ્રિજ નવો બનાવવામાં આવે તેવી માગ ઊઠી છે.

રાણપુર શહેરમાં ભાદર નદી ઉપર પુલની હાલત ખૂબજ કફોડી હાલત છે ગમે ત્યારે પુલ પડી શકે તેમ છે અને પુલ પર મોટા મોટા ખાડાઓ પડી જતા ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થાય તેવી દહેશત જણાઈ રહી છે. રાણપુર શહેરમાં આવેલા ભાદર નદીના પરનો પુલ વર્ષો જુનો છે. પુલ સાઈડની દીવાલો તેમજ પુલ પર મોટા ખાડા પડી ગયા છે, સાઈડની જર્જરિત દીવાલો નદીમાં પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવાતી નથી જો આમને આમ આ પુલ પર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો એક દિવસ મોટો અકસ્માત થઈ શકે છે.

સુરેન્દ્રનગરથી લીંબડી, અમદાવાદથી બોટાદ પાળીયાદ,સૌરાષ્ટ્ર તરફ પોરબંદર, વીરપુર તેમજ આટકોટ તરફ જવા માટે રાણપુરના ભાદર નદીના પુલ ઉપરથી પસાર થવું પડે છે. આ પુલ અંદાજે 61 વર્ષ પહેલા 1963ની સાલમાં બનાવેલો છે. પુલ બનાવ્યો ત્યારે તે સમયની માંગ અને જરૂરિયાત મુજબ પુલ બનાવવામાં આવ્યો હશે. પરંતુ હાલ હજારો ટન રેતી, કપચી ભરેલા ડમ્પર તથા મોટા ટોરસ સહિતના ભારવાહક વાહનો રાઉન્ડ ધ ક્લોક નીકળે છે, ત્યારે આ પુલ રીતસરનો ધુ્જે છે. વળી આ પુલમાં મસમોટા ગાબડા પડી ગયા છે. તેથી તાકીદે બીજો પુલ બનાવવા માટે રાણપુર ગામ લોકોની માંગ ઊઠી છે. કારણ કે જો આ પુલ તૂટી ગયો હોત તો રાણપુરથી તથા ઉપરોક્ત ગામોના લોકો જે આ પુલ ઉપરથી પસાર થાય છે. તે તમામ લોકોનો વાહન વ્યવહાર ખોરવાઈ જાય તેમ છે. પુલ પર ઘણી જગ્યાએ રેલિંગ તૂટી ગઈ છે તથા મોટા મોટા ગાબડા પડેલા છે. તાકીદે ગાબડા પુરી બીજા નવા પુલ બનાવવા માટે નક્કર આયોજન થાય તે જરૂરી છે.