અમદાવાદમાં SG હાઇવેના કર્ણાવતી જંક્શન અને પ્રહલાદનગરથી YMCA સુધી બ્રિજ બનાવાશે
અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર વધુ બે ઓવરબ્રીજ બનાવાશે. જેમાં એક ઓવરબ્રિજ કર્ણાવતી ક્લબ જંક્શન પર જ્યારે બીજો ઓવરબ્રિજ પ્રહલાદનગર જંક્શનથી વાયએમસીએ ક્લબ સુધી બનશે. આ બંને ઓવરબ્રિજ માટે રૂ.80 કરોડના ખર્ચના અંદાજ સાથે ગુજરાત સરકારે કેન્દ્રને દરખાસ્ત મોકલી છે, જેની મંજૂરી પછી જૂનથી કામ શરૂ થશે.
અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. જેમાં ચાર રસ્તા પર કાયમ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. આથી વધુ બે ઓવરબ્રીજ બવાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઇસ્કોન બ્રિજ પૂરો થયા પછી 200થી 300 મીટરના અંતરે કર્ણાવતી જંક્શન પરનો 800 મીટરનો બ્રિજ શરૂ થશે જ્યારે તે બ્રિજ પૂરો થયા પછી 200 મીટરના અંતરે પ્રહલાદનગર જંક્શનથી વાયએમસીએ સુધીનો 1200 મીટરનો બ્રિજ શરૂ થશે. આ બંને બ્રિજથી આ વિસ્તારના કુલ ત્રણ જંક્શન પર ટ્રાફિકની સમસ્યા હલ થશે. હાઇવે પર તમામ ઓવરબ્રિજ બન્યા બાદ એકપણ જંક્શન રહેશે નહીં અને સીધા ચિલોડાથી ઉજાલા સુધી પહોંચી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના એસજી હાઇવે પરથી રોજના એક લાખથી વધુ વાહન પસાર થતા હોવાથી કોઇપણ જગ્યાએ ચાર રસ્તા ન પડે તેનું ધ્યાન રખાયું છે. આ ઓવરબ્રિજ તૈયાર થયા બાદ ચિલોડાથી સરખેજ 20 મિનિટમાં પહોંચી શકાશે. વૈષ્ણોદેવી જંક્શન પર સિક્સલેન ફ્લાયઓવર છે પરંતુ રિંગ રોડને લીધે પુલ નીચે ટ્રાફિક જામ થાય છે. આ માટે ઔડા રિંગ રોડ પર 25 કરોડના ખર્ચે જૂન સુધીમાં અન્ડરપાસ બનાવશે. અહીં ટ્રાફિક ત્રણ લેયરમાં પસાર થઇ શકશે. (file photo)