બ્રિટને પાકિસ્તાનને ‘ટ્રાવેલ કરવા માટે ખૂબ જ જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું, એડવાઈઝરી જાહેર કરી
નવી દિલ્હીઃ બ્રિટનની ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ પાકિસ્તાનને પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. તાજેતરના અહેવાલમાં, FCDOએ બ્રિટિશ નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને તોફાન, રોગચાળો, ભૂખમરો અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે.
પ્રતિબંધિત યાદીમાં અન્ય 8 દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, ઈરાન, સુદાન, લેબેનોન, બેલારુસ અને પેલેસ્ટાઈનનો સમાવેશ થાય છે. આ સિવાય વિદેશ કાર્યાલયે પણ રેડ લિસ્ટ જાહેર કર્યું છે. આમાં દેશના વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યાં એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી ન કરવી જોઈએ. એડવાઈઝરી મુજબ જો કોઈ બ્રિટનની બહાર જઈ રહ્યું છે તો તેણે બ્લેક કે રેડ લિસ્ટ તપાસવું પડશે. બ્લેકલિસ્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બુર્કિના ફાસો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ચાડ, હૈતી, ઈરાક, ઈઝરાયેલ, લેબનોન, લિબિયા, માલી, નાઈજર, ઉત્તર કોરિયા, સોમાલિયા, સોમાલીલેન્ડ, દક્ષિણ સુદાન, સીરિયા, વેનેઝુએલા અને યમનનો સમાવેશ થાય છે.
એક અગ્રણી પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ, 2023 માં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ અને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 1,524 લોકોના મોત અને 1,463 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત, કુલ મૃત્યુદર છેલ્લા છ વર્ષમાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓનો વધારો થયો છે. આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનમાં આતંકવાદની સાથે મોંઘવારી પણ વધી છે.