બ્રિટનઃ ઋષિ સુનકે આગામી વડાપ્રધાન બનવા ઉમેદવારી રજૂ કરશે
નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન પદ ઉપરથી બોરિસ જોનસને રાજીનામુ આપતા રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે, તેઓ બોરિસ જોન્સનના રાજીનામા પછી બ્રિટનના આગામી વડા પ્રધાન બનવા માટે તેમની ઉમેદવારી રજૂ કરશે.
સુનકે ટ્વિટર પર જાહેર કરેલા પ્રચાર વિડિયોમાં જણાવ્યું હતું કે, “હું કન્ઝર્વેટિવ પાર્ટીનો આગામી નેતા બનવા અને વડાપ્રધાન બનવા માટે ઉભો છું. ચાલો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરીએ, અર્થવ્યવસ્થાનું પુનઃનિર્માણ કરીએ અને દેશને ફરીથી જોડીએ.”
ઋષિ સુનકના દાદા-દાદી પંજાબથી આવ્યા હતા. ઓગસ્ટ 2009માં ઋષિ સુનકે ઈન્ફોસિસના સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. અક્ષતા અને સુનકની મુલાકાત કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. તેમને બે દીકરીઓ છે.
વીડિયોમાં, 49 વર્ષીય સાંસદે તેની દાદીની વાર્તા શેર કરી, જેઓ વધુ સારા જીવનની શોધમાં ઇંગ્લેન્ડ જવા માટે વિમાનમાં સવાર થઈ. ઋષિ સુનકે વિડિયોમાં જણાવ્યું હતું કે, “તે નોકરી શોધવામાં સફળ રહી. પરંતુ તેના પતિ અને બાળકોને તેના ભરણપોષણ માટે પૂરતા પૈસા બચાવવામાં લગભગ એક વર્ષ લાગી ગયું.” તે વધુમાં ઉમેરે છે કે પરિવાર તેના માટે સર્વસ્વ છે.
ચાન્સેલર ઓફ ધ એક્સચેકર તરીકે સુનાકના રાજીનામાથી બોરિસ જોહ્ન્સન કેબિનેટમાં હલચલ મચી ગઈ હતી અને તેમને પદ છોડવાની ફરજ પડી હતી. જો ઋષિ સુનક ટોચની સીટ જીતી જશે તો તેઓ બ્રિટિશ પીએમ બનનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ હશે.