નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ભારતના પ્રવાસે આવ્યાં છે અને આજે તેઓ હવાઈ માર્ગે ગુજરાતથી દિલ્હી ગયા હતા. બોરિસ જ્હોન્સન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત યોજાઈ હતી. બંને મહાનુભાવો વચ્ચે ખાસ અંદાજમાં મુલાકાત થઈ હતી. બંને મહાનુભાવો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થઈ હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર કરાર પણ થયાં હતા.
સંયુક્ત નિવેદન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને યુકે વચ્ચે સંબંધ મજબુત બનાવવામાં વડાપ્રધાન જ્હોન્સનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હાલ ભારત પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે આમ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અહીં આવવું, એક ઐતિહાસિક સમય છે.
પીએમ બોરિસ જ્હોન્સનનું નિવેદન આપવાનો અંદાજ કંઈક અલગ જોવા મળ્યો હતો. બોરિસ જ્હોન્સનએ કહ્યું કે, નરેન્દ્ર, માય ખાસ દોસ્ત, આ પડકાર ભર્યા સમયમાં મારુ માનવું છે કે, અમે ખાસ દોસ્ત અને નજીવ આવ્યા છીએ, આજે અમારી જોરદાર વાતચીત થઈ અને અમે અમારા સંબંધને વધારે મજબુત બનાવ્યો છે. ભારત અને બ્રિટન વચ્ચેની સમજદારી અમારા સમયની પરિભાષિત દોસ્તીમાંનો એક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટનના વડાપ્રધાન ગઈકાલે બે દિવસના ભારતના પ્રવાસે આવ્યાં હતા. તેમણે પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરી હતી. તેઓ એરપોર્ટથી સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે સત્ય અને અહિંસાના પુજારી ગાંધીજીની પ્રતિમાને નમન કર્યું હતું. આ ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીની મુલાકાત લીધી હતી.