દિલ્હી:રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 14મી નવેમ્બરથી BS-4 ડીઝલ અને BS-3 પેટ્રોલ વાહનો દોડી શકશે. પ્રદૂષણના સ્તરમાં વધારાને ધ્યાનમાં રાખીને CAQMની સૂચના પર, દિલ્હી સરકારે આ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
દિલ્હી પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે,છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીનું AQI સ્તર સ્થિર છે.આ પ્રતિબંધ અંગે કોઈ નવો આદેશ જારી કરવામાં આવ્યો નથી, તેથી જૂનો આદેશ 13 નવેમ્બરની રાત્રે સમાપ્ત થઈ ગયો છે.અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, જો AQIમાં વધારો થશે તો અમે સ્થિતિની સમીક્ષા કરીશું.
7 નવેમ્બરે થયેલી સમીક્ષા બેઠકમાં BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ વાહનો પર સોમવાર સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો,પરંતુ ત્રણ દિવસ પછી બીજી બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે,આ પ્રતિબંધ રવિવાર સુધી અમલમાં રહેશે.અત્યાર સુધી મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ, નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 20,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો.
દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં છે.રાષ્ટ્રીય રાજધાનીની સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) રવિવારે સવારે 9 વાગ્યાની આસપાસ 320 નોંધાયો હતો, જે અગાઉના દિવસ કરતાં વધુ છે.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ દિલ્હીમાં આગલા દિવસે (શનિવારે) સરેરાશ AQI 311 નોંધવામાં આવ્યો હતો.