Site icon Revoi.in

BSE અને NSE પર દિવાળી નિમિત્તે 12મી નવેમ્બરે સાંજે એક કલાક મુહૂર્ત ટ્રેડિંગ થશે

Social Share

મુંબઈઃ દિવાળી નિમિત્તે BSE અને NSE પર એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ થશે. આ ટ્રેડિંગ 12 નવેમ્બરે સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સાંજે 7.15 વાગ્યે સમાપ્ત થશે, જેમાં પ્રી-માર્કેટ સેશન માટે 15 મિનિટ રાખવામાં આવશે. 12મી નવેમ્બરે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે BSE અને NSE દિવાળીના અવસર પર મુહૂર્ત ટ્રેડિંગ કરે છે, જે માત્ર એક કલાક માટે ખુલ્લું રહે છે. દિવાળી પર વેપાર કરવો શુભ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ દિવાળીના દિવસને નવા વર્ષની શરૂઆતનો દિવસ પણ માનવામાં આવે છે, જેને સંવત કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે દિવાળી પર વેપાર કરવાથી સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે.

દિવાળી રવિવારે છે અને સામાન્ય રીતે શેરબજાર રવિવારે બંધ રહે છે, પરંતુ દિવાળીના કારણે મુહૂર્ત ટ્રેડિંગ થશે. દિવાળી પર થતા વેપારો તે જ દિવસે સેટલ થાય છે. શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે દિવાળીના દિવસે નવું સાહસ શરૂ કરવું શુભ માનવામાં આવે છે. દિવાળી પર ટ્રેડિંગનો અનુભવ પણ સારો રહ્યો છે.

જો આપણે દિવાળીના ટ્રેડિંગના ઈતિહાસ પર નજર કરીએ તો, આ દિવસે રોકાણકારોને ભાગ્યે જ નિરાશ કર્યા છે, બીએસઈ સેન્સેક્સ છેલ્લા 10 સ્પેશિયલ સેશનમાંથી 7માં વધારા સાથે બંધ થયો હતો. ટ્રેડિંગ વોલ્યુમ સામાન્ય રીતે ઓછું હોય છે, કારણ કે ઘણા વેપારીઓ સંપૂર્ણ સોદા કરવાને બદલે ટોકન ખરીદી કરવાનું પસંદ કરે છે. તે ટૂંકા ગાળા દરમિયાન, ઓછા શેરો વધે છે.

સ્ટોક એક્સચેન્જોએ માહિતી આપી છે કે, 12 નવેમ્બરે ઇક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ફ્યુચર અને ઓપ્શન તેમજ સિક્યોરિટીઝ લેન્ડિંગમાં સાંજે એક કલાક માટે ટ્રેડિંગ થશે. દિવાળી બલિપ્રદા નિમિત્તે 14 નવેમ્બરે શેરબજારો બંધ રહેશે.