નવી દિલ્હીઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ખરાબ વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25000 ની નીચે સરકી ગયો હતો. આઈટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે ધોવાણ થયું છે. BSE સેન્સેક્સ 886 પોઈન્ટ ઘટીને 81000 ની નીચે 80,982 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 311 પોઈન્ટના ઘટાડા સાથે 24,699.50 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજે ભારતીય શેરબજારનો સ્ટાર સ્ટોક Zomato હતો, જે ઉત્તમ પરિણામોને કારણે 12.07 ટકાના વધારા સાથે રૂ. 262.34 પર બંધ થયો હતો. આ સિવાય આજના ટ્રેડિંગમાં ઈન્ફો એજ 4.58 ટકા, IEX 2.57 ટકા, ઈન્ડિયા સિમેન્ટ્સ 2.41 ટકા, પેજ ઈન્ડસ્ટ્રીઝ 1.87 ટકા, દિવીઝ લેબ 1.49 ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝ 1.42 ટકા, HDFC બેન્ક 1.24 ટકા, મહાનગર ગેસ 1.17 ટકા, સન ફાર્મા 1.17 ટકાના બાઉન્સ સાથે બંધ થયાં હતા. સૌથી વધુ ઘટતા શેરોમાં કમિન્સ 7.97 ટકા, એસ્કોર્ટ્સ કુબોટા 5.90 ટકા, બિરલાસોફ્ટ 5.86 ટકા, આઇશર મોટર્સ 4.87 ટકા, મારુતિ સુઝુકી 4.74 ટકા, ટાટા મોટર્સ 4.71 ટકા, યુપીએલ 4.08 ટકા, ટ્રેન્ટ 4.3 ટકાનો ઘટાડો થયો છે.
આજના કારોબારમાં સૌથી મોટો ઘટાડો આઈટી શેર્સમાં જોવા મળ્યો હતો. નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ 2.41 ટકા અથવા 980 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. આ સિવાય ઓટો, એફએનસીજી, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા છે. માત્ર ફાર્મા અને હેલ્થકેર શેરોમાં તેજી જોવા મળી હતી. બીએસઈ પર 4033 શેરમાં ટ્રેડિંગ થયું હતું જેમાં 1713 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2205 શેર નુકસાન સાથે બંધ થયા હતા.
શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 457.21 લાખ કરોડ થયું છે, જે ગયા સત્રમાં રૂ. 461.62 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને 4.41 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.