સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં સૌથી મોટો કડાકો, BSE-NSEમાં લાલ નિશાન ઉપર કારોબાર
મુંબઈઃ આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત દબાણ જોવા મળી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ જબરદસ્ત વેચાણ દબાણને કારણે શેરબજારમાં 1.35% થી વધુનો ઘટાડો થયો હતો. ટ્રેડિંગના પ્રથમ એક કલાક બાદ સેન્સેક્સ 1.35% અને નિફ્ટી 1.38% ની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.BSE સેન્સેક્સ આજે 10.98 પોઈન્ટની મામૂલી નબળાઈ સાથે 79,713.14 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.
- આ શેરમાં આજરોજ વધારો અને ઘટાડો જોવા મળ્યો
શરૂઆતના એક કલાકના ટ્રેડિંગ બાદ શેરબજારના મોટા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સિપ્લા, ટેક મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડ બેંકના શેર 2.37% થી 0.41% ની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, બીપીસીએલ, સન ફાર્માસ્યુટિકલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 3.96% થી 2.70% ના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
- 30 શૅર્સમાંથી 3 શૅર્સ ખરીદીના ટેકાથી લીલા નિશાનમાં રહ્યા
વર્તમાન ટ્રેડિંગમાં શેરબજારમાં 2,466 શેરમાં સક્રિય ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 430 શેર નફો કમાયા બાદ ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 2,036 શેર નુકસાની સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શૅર્સમાંથી 3 શૅર્સ ખરીદીના ટેકાથી લીલા નિશાનમાં રહ્યા હતા. બીજી તરફ દબાણને કારણે 27 શેર લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. જ્યારે નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરોમાંથી 6 શેર લીલા નિશાનમાં અને 44 શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
- મુહૂર્ત ટ્રેડિંગ પછી સેન્સેક્સ 79,724.12 પોઈન્ટ પર બંધ થયો
અગાઉ, ગયા અઠવાડિયે શુક્રવારે મુહૂર્ત ટ્રેડિંગ પછી સેન્સેક્સ 335.06 પોઈન્ટ વધારા સાથે 79,724.12 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે નિફ્ટીએ 99 પોઇન્ટના વધારા સાથે 24,304.35 પોઇન્ટના સ્તરે વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ સમાપ્ત કર્યું હતું.