ભારતીય શેર બજારમાં ઘટાડા બાદ તેજી, BSE સેન્સેક્સે ઈતિહાસ રચ્યો
નવી દિલ્હીઃ ભારતીય શેરબજારનું બુધવારનું ટ્રેડિંગ સત્ર ઘણું ઐતિહાસિક રહ્યું છે. BSE સેન્સેક્સે ઈતિહાસ રચ્યો છે. આજના કારોબારમાં પહેલીવાર BSE સેન્સેક્સ 74,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ આજના સત્રમાં 22,490ની નવી ટોચને સ્પર્શવામાં સફળ રહ્યો છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 409 પોઈન્ટના ઉછાળા સાથે 74,086 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 118 પોઈન્ટના ઉછાળા સાથે 22,474 પોઈન્ટ પર બંધ થયો હતો. વહેલી સવારે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આ પછી સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 270 પોઈન્ટની નીચલી સપાટીથી રિકવરી જોવા મળી હતી.
શેરબજાર ભલે નવી ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શવામાં સફળ રહ્યું હોય પરંતુ આજના સેશનમાં બજારની કિંમતમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 391.37 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 393.04 લાખ કરોડ હતું. આજના સત્રમાં માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 1.67 લાખ કરોડનું નુકસાન થયું છે.
આજના કારોબારમાં, બજાર નીચલા સ્તરોથી રિકવર થયું હતું અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બંધ થયું હતું. બેંક નિફ્ટી 384 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, પીએસયુ બેંક, એફએનસીજી, હેલ્થકેર સેક્ટરના શેરો જોરદાર બંધ થયા હતા. જ્યારે ઓઇલ એન્ડ ગેસ, ઇન્ફ્રા, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, મેટલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એક સમયે મિડકેપ ઈન્ડેક્સ 1000 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. પરંતુ નીચલા સ્તરેથી ખરીદી પાછી આવી હતી પરંતુ બંને ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 32 શૅર ઉછાળા સાથે અને 18 ઘટાડાની સાથે બંધ થયા હતા. બજાજ ઓટો, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ભારતી એરટેલના શેર મોટા ઉછાળા સાથે બંધ થયા.