બીએસએફના ચાર અધિકારીઓએ ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર ખાતેના ઝીરો પોઈન્ટ પરથી 31 રોહિંગ્યા મુસ્લિમોની ધરપકડ કરી છે. આ રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરીની ગત ચાર દિવસોથી કોશિશ કરી રહ્યા હતા. બાદમાં બીએસએફએ આ તમામની અગરતલામાં અમતાલી પોલીસને સોંપણી કરી છે. ધરપકડ કરાયેલા રોહિંગ્યા મુસ્લિમોમાં 12 બાળકો પણ સામેલ છે. મંગળવારે આ તમામની સ્થાનિક અદાલતમાં પેશી પણ થવાની છે.
નોર્થ ત્રિપુરા જિલ્લાના પોલીસ વડા ભાનુપાડા ચક્રવર્તીએ કહ્યુ છે કે આસામ પોલીસે 31 રોહિંગ્યા મુસ્લિમોની ધરપકડ કરી છે. આ તમામને ચુરાઈબારીમાં ગૌહાટી જઈ રહેલી બસમાંથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. આસામ પોલીસને ટાંકીને તેમણે ક્હ્યુ છે કે આમા 12 બાળકો અને નવ મહિલાઓ સહીત કુલ 31ની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા લોકોની ચક્રવર્તી દ્વારા કરીમગંજમાં પૂછપરછ થવાની છે. આ તમામને કરીમગંજની એક સ્થાનિક અદાલતમાં પણ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલે સોમવારે બીએસએફ અને બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ વચ્ચે એક મુલાકાત થવાની હતી. પરંતુ આ મુલાકાત થઈ શકી નહી. બીએસએફએ હાલ ધરપકડ કરાયેલા લોકોની ઓળખ જાહેર કરવાનો ઈન્કાર કર્યો છે. જો કે બીએસએફએ માનવીય ધોરણે ધરપકડ કરાયેલા તમામ લોકોને મૂળભૂત સુવિધાઓ આપવાની વાત પણ કહી છે.
મ્યાંમારના રહેતા રોહિંગ્યા મુસ્લિમો છેલ્લા કેટલાક વર્ષોથી બાંગ્લાદેશ અને ભારતમાં નિરાશ્રિત તરીકે આવી રહ્યા છે. મ્યાંમારના રખાઈન પ્રાંતમાં આંતરીક તણાવ બાદ રોહિંગ્યા મુસ્લિમો પાડોશી દેશોમાં શરણ લેવા માટે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશમાં આવા ગેરકાયદેસર ઘૂસણખોરી કરી ચુકેલા રોહિંગ્યા મુસ્લિમોની મોટા પ્રમાણમાં હાજરી છે. રોહિંગ્યા મુસ્લિમોના મામલે દેશમાં ઘણીવાર વિવાદની સ્થિતિ છે. મોદી સરકાર રોહિંગ્યા મુસ્લિમોને દેશમાં રાખવા માટે તૈયાર નથી અને તેમને કાયદેસર રીતે ભારતમાંથી દૂર કરવાની કાર્યવાહી કરી રહી છે.