ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છના દરિયા કિનારેથી બીન વારસી ડ્રગ્સના પેકેટો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીકના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી બીએસએફ અને એનસીબીના જવાનોને પેટ્રોલીંગ દરમિયાન માદક પદાર્થના 9 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ પહેલા મળી આવેલા ડ્રગ્સના પેકેટ જેવા જ કુલ 10 કિલોગ્રામ વજન ધરાવતા 9 પેકેટ સહિત બીએસએફને અત્યાર સુધીમાં આ વર્ષે કુલ 181 જેટલા ડ્રગ્સમાં પેકેટ મળ્યા છે. અબડાસા તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી સતત મળી રહેલા બિનવારસી ચરસના પેકેટના પગલે સુરક્ષા એજન્સીઓએ સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે બીએસએફ અને એનસીબી ની ટૂકડી દ્વારા સયુંકત પેટ્રોલીંગ દરમિયાન જખૌ પાસેના સમુદ્રી વિસ્તારમાંથી માદક પદાર્થના 9 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ પેકેટો પહેલા મળી આવેલા વિવિધ પેકીંગ પૈકી એક જેવા જ છે. જેને વધુ તપાસ અર્થે જખૌ મરીન પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.
કચ્છના દરિયાકાંઠે પખવાડિયાના વિરામ બાદ ફરી એકવાર ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો શરૂ થયો છે રવિવારે લુણા નજીક પેટ્રોલિંગમાં રહેલ બીએસએફના જવાનોને ચરસના નવ પેકેટ મળી આવ્યા હતા જે બાદ તપાસને વેગવાન બનાવાઇ છે. મહત્વનું છે કે, થોડા દિવસો સુધી વરસાદી માહોલના કારણે દરિયો શાંત થતાં કિનારા પર તણાઈને આવતા પેકેટોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જે બાદ ફરી પેકેટો મળી રહ્યા છે અગાઉ 400 કરોડની કિંમતનું બિનવારસુ ડ્રગ્સ મળી આવ્યું હતું જોકે તેના મૂળ સુધી પહોંચવામાં એજન્સીઓને સફળતા મળી નથી. બીએસએફ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં મળી આવેલા 10 કિલોના ચરસના 9 પેકેટ આગળની કાર્યવાહી માટે જખૌ પોલીસને સોંપાયા છે. બીએસએફ દ્વારા છેલ્લા એક મહિનામાં લખપત અને અબડાસાના દરિયાઇ અને ક્રીક વિસ્તારમાંથી અત્યાર સુધી 181 પેકેટ શોધવામાં આવ્યા છે.