Site icon Revoi.in

પાકિસ્તાની મહિલા ઘૂસણખોરને બોર્ડર પર બીએસએફે ગોળી મારી

Social Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બીએસએફની બટાલિયન-10 દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરી રહેલી એક મહિલાને ગોળી મારવામાં આવી છે. આ મહિલા પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી રહી હતી. ત્યારે જવાનોએ ગોળી મારી હતી. ઘૂસણખોરી કરનારી મહિલાની વય પચ્ચીસથી ત્રીસ વર્ષની વચ્ચે હોવાનું જણાઈ રહ્યું છે. તેને ડેરા બાબા નાનક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે.

જણાવવામાં આવે છે કે બુધવારે સવારે બાંગર પોસ્ટથી મહિલા ભારતીય સીમામા ઘૂસણખોરી કરી રહી હતી. શંકાસ્પદ ગતિવિધિને જોતા તેને ગોળી મારવામાં આવી હતી. હજી સુધી તેની ઓળખ ઉજાગર થઈ શકી નથી. ડેરા બાબા નાનક હોસ્પિટલમાંથી તેને તબીબોએ અમૃતસર રિફર કરી છે.

પુલવામામાં સેના પરના આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. ભારતની ચેતવણી છતાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતો યથાવત રાખવામાં જ રસ ધરાવે છે. બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો છે. જો કે આમા કોઈ જાનહાનિના અહેવાલ નથી.

પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફની બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમા 44 જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ આતંકવાદીઓની સામે ઓપરેશન શરૂ કરાયું હતું અને જૈશ-એ-મોહમ્મદના બે ટોચના આતંકીઓ સહીત ત્રણને ઠાર મારવામાં આવ્યા હતા. પુલવામા હુમલાના 100 કલાકમાં કાશ્મીર ખાતેની જૈશ-એ-મોહમ્મદની ટોચની લીડરશીપનો સફાયો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક મેજર સહીત ભારતના પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.