ભૂજઃ કચ્છના હરામી નાળા વિસ્તારમાં બીએસએફના સઘન બંદોબસ્તને કારણે અવાર-નવાર પાકિસ્તાની માછીમારો બોટ સાથે પકડાતા હોય છે. ત્યારે સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાંથી વધુ બે પાકિસ્તાની બોટ સિમાં સુરક્ષા દળના જવાનોએ ઝડપી પાડી હતી. બિનવારસી હાલતમાં મળેલી બોટમાંથી માછલી પકડવાની સામગ્રી સિવાય કંઈ શંકસ્પદ મળ્યું નથી. જોકે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાકિસ્તાનની કુલ 9 બોટ તેમજ એક ઘુસણખોર ઝડપાયો છે. જેને લઈ સલામતી દળો સતત સચેત બની ફરજ બજાવી રહ્યા છે. ખાસ કરીને દેશની આઝાદીના 75માં વર્ષની વાર્ષિક ઉજવણી પૂર્વે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાડોશી દેશની ઘૂસણખોરીને લઈ સુરક્ષા તંત્ર વધુ સજાગ બની ગયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના સરહદી વિસ્તાર ગણાતા હરામીનાળામાંથી BSFની 59 બટાલિયનના જવાનોને 2 પાકિસ્તાની બોટ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યાં બાદ બીએસએફએ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. જેના બીજા દિવસે વધુ 5 મોટર બોટ સાથે એક પાકિસ્તાની માછીમારને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ શનિવારે જવાનોએ વધુ બે બોટ બિનવારસી હાલતમાં જપ્ત કરી છે. આ માટે દરિયાની અટપટી ક્રિક ધરાવતા હરામીનાળામાં સલામતી દળના જવાનો દ્વારા વિકટ ભૌગોલિક પરિસ્થિતિનો સામનો કરી ઘુસણખોરીની ઘટનાને ઝડપી પાડવામાં આવી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં લખપત તાલુકામાં હરામી નાળા વિસ્તાર સંવેદનશીલ ગણાય છે. અને પાકિસ્તાન માછીમારો અવાર-નવાર આ વિસ્તારમાં આવી જતાં હોય છે. એટલું જ નહીં ઘૂંસણખોરો માટે પણ હરામી નાળા વિસ્તાર કૂખ્યાત છે. દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ પકડવાના બનાવો વધતા આ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે શનિવારે વધુ બે પાકિસ્તાની બોટ બીન વારસી મળી આવી હતી.