Site icon Revoi.in

કચ્છના કોરી ક્રીકમાં બોટ પલટી જતાં આર્મીના છ જવાનોને BSFની ટીમે બચાવી લીધા

Social Share

અમદાવાદ: કાશ્મીર સરહદે તણાવને પગલે કચ્છ સરહદ પર બોટ પેટ્રોલિંગ વધાર્યું છે. આ દરમિયાન કચ્છમાં કોરી ક્રીક વિસ્તારમાં બીએસએફના જવાનોએ ભારતીય સેનાના જવાનોને ડૂબતા બચાવ્યા હતા. સેનાના જવાનો નિયમિત અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન સમુદ્રમાં અચાનક ઉઠેલી ઊંચી લહેરોને પગલે સેનાની બોટ પલટી ગઈ હતી. પરિણામે બોટમાં સવાર સેનાના છ જવાનો ડૂબવા લાગ્યા હતા. સરહદ પર સતત એલર્ટ પર રહેતા BSFના જવાનોને આ દુર્ઘટના અંગે તરત જ ખબર પડી ગઈ હતી. જે બાદમાં તેઓ સ્પીડ બોટથી મદદ માટે દોડી ગયા હતા અને તમામ જવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ જવાનોને બચાવીને લક્કી નાલા કિનારે લઈ જવાયા હતા. અહીંથી એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલ ખસેડાયા હતા. સેનાના જવાનોનો જીવ બચાવવા માટે BSFની ટૂકડીએ કરેલી ત્વરિત કાર્યવાહીને પગલે તેમને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.

કચ્છની સરહદની સામે પાર પાકિસ્તાન નેવીના કમાન્ડો તૈનાત કરી રહ્યું હોવાના અહેવાલ બાદ બીએસએફ તરફથી કચ્છની સરહદે પેટ્રોલિંગ વધારી દેવાયું છે. આ અંગે બીએસએસફને ઇનપુટ મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, દર વર્ષે 15મી ઓગસ્ટ નજીક આવે ત્યારે આમ પણ પેટ્રોલિંગ વધારવામાં આવે છે. કચ્છની સરહદે સામે પાર બીએસએફને ખાસ હિલચાલ જોવા મળી છે. જેના પગલે ભારતે પણ પેટ્રોલિંગ વધારી દીધું છે. સામેની સરહદે પીએમસીના રેન્જર્સની જગ્યા નેવી કમાન્ડો લઈ રહ્યા હોવાના ઇનપુટ બીએસએફને મળ્યા બાદ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે કચ્છની સરહદમાં રણ, દરિયો અને ક્રિકનો સમાવેશ થાય છે. જેમાંથી મોટાભાગના વિસ્તારની સુરક્ષા BSFના જવાનો કરે છે. કચ્છની સરહદે હંમેશા બીએસએફની ચુસ્ત સુરક્ષા રહે છે. તાજેતરમાં મળેલા ખાસ ઇનપુટ અને 15મી ઓગસ્ટને લઈને પાકિસ્તાન તરફથી જો કોઈ કાંકરીચાળો કરવામાં આવે તો તેનો જડબાતોડ જવાબ આપી શકાય તે માટે સુરક્ષા વધારવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે

તાજેતરમાં જમ્મુ-કાશ્મીર સરહદ ખાતે તણાવ જોવા મળ્યો છે. જેમાં પાકિસ્તાની ડ્રોન પણ સરહદ નજીક ઉજતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ડ્રોનથી એક બ્લાસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે બાદમાં સેના એલર્ટ પર છે. ડ્રોન હુમલાને કેવી રીતે ખાળી શકાય તે માટે ખાસ વ્યવસ્થા બનાવવાની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. બીજી તરફ નલિયા એરફોર્સ સુધી પાકિસ્તાનનું ડ્રોન આવી પહોંચતા કચ્છમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.