રાષ્ટ્રપતિ બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ આ પાર્ટી વિપક્ષને નહીં કરે સમર્થન
લખનૌ: આગામી દિવસોમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ તથા અન્ય વિપક્ષી પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે. ભાજપની આગેવાનીમાં એનડીએ જગદીપ ધનખડને ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે વિપક્ષ દ્વારા માર્ગરેટ અલ્વાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ બસપાએ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મૂર્મૂજીને સમર્થન આપ્યું હતું.
માયાવતીએ જણાવ્યું કે, અમે આ નિર્ણય ન તો બીજેપી કે એનડીએના સમર્થનમાં કે ન તો વિપક્ષની વિરુદ્ધ પરંતુ અમારી પાર્ટી અને આંદોલનને ધ્યાનમાં રાખીને લીધો છે. બસપા નબળા, ગરીબ અને ઉપેક્ષિત વર્ગના લોકો માટે નિર્ણયો લેતી રહી છે.
બસપાના વડા માયાવતીએ ટ્વીટ કરીને જાણાવ્યું હતું કે, દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં સત્તા અને વિપક્ષ વચ્ચે સહમતિના અભાવને કારણે ચૂંટણી યોજાઈ હતી. હવે આ જ સ્થિતિને કારણે ઉપપ્રમુખ પદ માટે પણ 6 ઓગસ્ટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. BSPએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ વ્યાપક જનહિત અને પોતાની મૂવમેન્ટને પણ ધ્યાનમાં રાખીને જગદીપ ધનખડને પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને તેની સત્તાવાર રીતે જાહેરાત કરી રહી છું.