નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કરદાતાઓ સહિત જીવનના વિવિધ ક્ષેત્રના લોકો સરકાર પાસેથી વધુ સારા બજેટની અપેક્ષા રાખી રહ્યા છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે દેશભરમાં જે બજેટની ચર્ચા થઈ રહી છે તે કેવી રીતે તૈયાર થાય છે અને તેમાં કોની ભૂમિકા મહત્વની છે.બજેટ ચોક્કસપણે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવે છે, પરંતુ એવું નથી કે,એકલું નાણા મંત્રાલય બજેટ તૈયાર કરે છે.ભારતનું સામાન્ય બજેટ ઘણા વિભાગોના પરસ્પર પરામર્શ પછી તૈયાર કરવામાં આવે છે.
બજેટની તૈયારી શરૂ કરવા માટે નાણાં મંત્રાલય દ્વારા તમામ મંત્રાલયો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ઓટોનોમસ બોડીને એક પરિપત્ર જારી કરવામાં આવે છે.આ પછી, વિભાગો પોતપોતાની જરૂરિયાતોને આધારે એક રિપોર્ટ તૈયાર કરે છે અને તેને નાણા મંત્રાલયને મોકલે છે. આ રિપોર્ટમાં તેમણે નાણા મંત્રાલયને પોતાના ભંડોળ અને યોજનાઓ વિશે જણાવ્યું છે. દરેક મંત્રાલય આ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તેની યોજનાઓ માટે ભંડોળની માંગણી કરે છે. મંત્રાલયો દ્વારા અહેવાલો મોકલવામાં આવ્યા બાદ નાણા મંત્રાલય બેઠક યોજે છે.બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જ શરૂ થઈ જાય છે.
બજેટ તૈયાર કરતા પહેલા એક બેઠક યોજે છે નાણા મંત્રાલય
બેઠકનો મુખ્ય હેતુ બજેટ અંગેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાનો છે.કારણ કે નાણા મંત્રાલય સરકાર પાસે મર્યાદિત ભંડોળના કારણે દરેકની માંગ પૂરી કરી શકતું નથી,આવી સ્થિતિમાં મંત્રાલયો સાથે વાતચીત કરવામાં આવે છે અને પ્રક્રિયા આગળ વધે છે. નાણા મંત્રાલય અને અન્ય મંત્રાલયોના અધિકારીઓ સાથેની આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આમાં તેઓ તેમના વિભાગ માટે ભંડોળની જરૂરિયાતો વિશે જણાવે છે.નાણા મંત્રાલય બજેટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેમાં નીતિ આયોગ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) અને સરકારના અન્ય ઘણા મંત્રાલયો પણ સામેલ છે.
ખૂબ જ ગુપ્ત રીતે તૈયાર કરવામાં આવે છે બજેટ
એ વાત સાચી છે કે બજેટ તૈયાર કરવાનું કામ નાણા મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ કરે છે.બજેટ તૈયાર કરવાનું કામ ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવે છે.તેના દસ્તાવેજો ખૂબ જ ગોપનીય રાખવામાં આવે છે.બજેટ તૈયાર કરતા નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, તાબાના કર્મચારીઓ, સ્ટેનોગ્રાફર, ટાઈપરાઈટર અને પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારીઓએ ઓફિસમાં જ બેઠક કરીને આ કામ કરવાનું હોય છે.